Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતમાં આવશે

અરવિંદ કેજરીવાલ રોડ શો કરશે :અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું કે, હું ગુજરાતના લોકોનો આભાર માનુ છું

સુરત,તા.૨૪  : ગુજરાતમાં જે રીતે મતદાન થયું હતું ત્યારે તમામ પક્ષો ચિંતામાં આવી ગયા હતા પરંતુ જ્યારે પરિણામ આવ્યું ત્યારે સૌથી મોટું નુકસાન કોંગ્રેસને થયું હોવાનું સામે આવ્યું. સુરતમાં આપએ ૨૭ બેઠકો જીતી લીધી છે. કોંગ્રેસને પછાડીને આપ આગળ નીકળી ગયું છે અને બીજા નંબરનો સૌથી મોટો પક્ષ બનીને વિરોધ પક્ષ તરીકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બેસશે. તો બીજી તરફ ગુજરાતમાં આપની એન્ટ્રી થતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ૨૬મી ફેબ્રુઆરીએ ગુજરાતના પ્રવાસે આવવાની વાત કરી છે. અહીં તેઓ એક રોડ શોમાં ભાગ લેવાના છે. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું કે, હું ગુજરાતના લોકોનો આભાર માનુ છું, ખાસ કરીને સુરતમાં સવા સો વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીને હરાવીને એક મુખ્ય વિરોધ પક્ષ તરીકે બેસવાની જવાબદારી સોંપી છે. ગુજરાતે એક નવા રાજકારણની શરુઆત કરી છે

   પ્રામાણિક રાજકારણ, કામનું રાજકારણ, સારી સ્કૂલોનું રાજકારણ, સસ્તી અને ૨૪ કલાક વીજળીનું રાજકારણ, સારી હોસ્પિટલનું રાજકાણ. આપણે સાથે મળીને ગુજરાતને આગળ લાવીશું. હું ૨૬ ફેબ્રુઆરીએ સુરત આવી રહ્યો છું, આપને મળવા માટે, વ્યક્તિગત રીતે તમારો આભાર માનવા માટે. તો સુરતમાં મળીએ. કેજરીવાલે વીડિયો મેસેજ દ્વારા ગુજરાતના સુરતમાં આવવાની જાહેરાત કરી છે, આ સાથે વીડિયોમાં તેમણે અંતમાં ગુજરાતી ભાષામાં એમ પણ કહ્યું છે. ગુજરાતના લોકોને અમારો દિલથી ખુબ-ખુબ આભાર. એક અન્ય ટ્વીટમાં કેજરીવાલે લખ્યું છે કે, ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપએ શાનદાર પ્રદર્શન કર્યું છે. હું ગુજરાતના લોકોનો દિલથી આભાર વ્યક્ત કરવા માગુ છું. હું આપને વિશ્વાસ અપાવવા માગુ છું, અમારો એક-એક ઉમેદવાર પોતાની જવાબદારી સંપૂર્ણ પ્રમાણિકતા સાથે ભજવશે. આ વખતે યોજાયેલી ચૂંટણીમાં સુરતમાં ૧૨૦ બેઠકોમાંથી ભાજપને ૯૩ બેઠકો જીતવામાં સફળતા મળી છે, જ્યારે પાટીદારોની વસ્તી ધરાવતા વિસ્તારોમાં આપે ૨૭ બેઠકો પર કબજો કર્યો છે. બીજી તરફ કોંગ્રેસનું અહીં ખાતુ પણ નથી ખુલ્યું. એટલે કે હવે ભાજપની સાથે વિરોધ પક્ષમાં આપના નેતાઓ બેસશે.

(9:26 pm IST)