Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

વિના વ્યાજે લોન આપવાનું કહી લોકોને છેતરાતા વધુ બે આરોપીઓને સુરત પોલીસે ગાઝીયાબાદથી ઝડપ્યા

આરોપીઓ મૂળ બિહારના રહેવાસી:ગુરૂકુલ જ્યોતિષ નામથી સંસ્થા ઊભી કરી હતી

સુરત : વિના વ્યાજે લોન આપવાનું કહીને લોકોને છેતરતી ગેંગનો પર્દાફાશ કરાયો છે સુરત  પોલીસે અસરકારક કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરવાની સાથે જ ફરિયાદીના ગુમાવેલા રૂપિયા પૈકીના કેટલાક રૂપિયા પરત મેળવવામાં સફળતા મેળવી છે.

 સુરત શહેર પોલીસની સાયબર ક્રાઇમ શાખાના એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, લોકોને પોતાની વાતોમાં ફસાવી લાખો રૂપિયા ઉસેટી લેતાં શ્રીરામ બિહારી રાય અને પ્રદિપકુમાર શ્રીરામ સીંગની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અગાઉ મીન્ટુ ચંદેશ્વર રાય, અભિષેક દેવપૂજન રાય, અજીત હરેન્દ્ર પ્રસાદ, બિપુલ પુરેન્દ્ર પાંડે આ તમામ આરોપીઓની યુપીના ગાંજીયાબાદથી ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓ મૂળ બિહારના રહેવાસી છે. આરોપીઓએ ગુરૂકુલ જ્યોતિષ નામથી સંસ્થા ઊભી કરી હતી, જેમાં વિના વ્યાજે લોન આપવાનું કહી લોકોને છેતરતી હતી.

 

સુરતના પિપલોદના બ્રજકિશોર દાસને દિપક શાસ્ત્રી નામના યુવકે ફોન કરી પોતાની ઓળખ ગુરુકુલ જ્યોતિષ અને વૈદિક નારાયણ જ્યોતિષ સંસ્થાનના મેનેજર તરીકે આપી હતી. તેણે બ્રજકિશોરને કહ્યું કે સંસ્થા વિના વ્યાજે 50 લાખની લોન તમને આપે છે. આથી તેઓ લોન લેવા માટે તૈયાર થતા ટોળકીએ પહેલા 15 લાખ રૂપિયા સંસ્થામાં ડિપોઝિટ પેટે જમા કરાવ્યા હતા. પછી ટુકડે ટુકડે કરી કુલ 32.40 લાખની રકમ સંસ્થાના ખાતામાં જમા કરાવી હતી. જો કે બાદમાં બ્રજકિશોરને અહેસાસ થયો હતો કે તેઓ ફ્રોડના શિકાર બન્યા છે, જેથી તેમને પોલીસમાં ફરિયાદ કરી હતી. સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ પર કામગીરી કરી યુપીના ગાજીયાબાદના કોલ સેન્ટરમાંથી 4 ઠગોને પકડી પાડયા હતા. ટોળકી પાસેથી સાયબર ક્રાઇમે 15.19 લાખની રકમ ફ્રીઝ કરી છે. અગાઉ પકડાયેલા ચાર આરોપી ટેલીકોલરનું કામ કરતાં હતાં. લોનની લાલચ આપી લોકોને ફસાવતા હતા. ચારેયનો પગાર 12 હજાર છે. સાથે જ કમિશન પેટે 4 હજાર રૂપિયા પણ મળતા હતાં,

 જો કે મુખ્ય 3 સાગરિતો ફરાર હતાં, જેમાંથી શ્રીરામ બિહારી રાય અને પ્રદિપકુમાર શ્રીરામ સીંગની પોલીસે ઝડપી પાડ્યા હતાં. બન્ને આરોપીની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં ગુરુકુલ જ્યોતિષના નામથી બેંક ખાતું કોણ ઓપરેટર કરે છે અને કેટલા લોકોને અત્યાર સુધીમાં આ રીતે લૂંટી લેવાયા છે, તેની તપાસ કરવામાં આવી છે. ટોળકીએ હરિયાણા અને વડોદરામાં પણ ચીટીંગ કર્યુ છે. ચીટીંગનો આંક કરોડોમાં હોવાની આશંકા છે. ત્યારે પોલીસ લોકોને અપીલ કરી રહી છે કે, આ પ્રકારના જ્યારે પણ કોલ આવે ત્યારે તેમની સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવી નહીં સાથે જ તમારી બેંક ડીટેલ એટીએમ કે ક્રેડિટ કાર્ડ ડિટેલ આપવી નહીં આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ શક્ય હોય ત્યાં સુધી ગુપ્તતા જાળવવી

(10:31 pm IST)