Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

ગુજરાતની ૩૬૦ સહકારી સંસ્‍થા પૈકી ૩૦૨માં ભાજપ અને ૪૪માં કોંગ્રેસ

સહકારી ક્ષેત્રમાં ભાજપનો દબદબો : ૮૪ ટકા સંસ્‍થાઓમાં વર્ચસ્‍વ : સહકારી પ્રવૃતિમાં એક સમયે કોંગ્રેસનો ડંકો વાગતો હતો આજે સ્‍થિતિ એવી છે કે આંગળીના વેઢે ગણી શકાય તેવી સંસ્‍થા રહી છે : ગુજરાતમાં પ્રત્‍યેક ત્રીજા ગુજરાતી જોડાયેલો હોવાથી રાજકીય વજન પડે છે

નવી દિલ્‍હી તા. ૨૪ : ગુજરાતનું સહકારી રાજકારણ પણ બદલાઇ ગયું છે. ભાજપના છેલ્લા ૨૦ વર્ષના શાસનમાં આ ક્ષેત્રે કોંગ્રેસ ફેંકાઇ ચૂકી છે. રાજ્‍યમાં આવતી વિવિધ ચૂંટણીઓમાં સ્‍થાનિક સંસ્‍થાઓ ઉપરાંત સહકારી સંસ્‍થાઓનો ફાળો ખૂબ મહત્‍વનો હોય છે, જેમાં હાલ ભાજપને મોટો ફાયદો મળી રહ્યો છે. એક સર્વે પ્રમાણે રાજ્‍યની ૩૬૦ સહકારી સંસ્‍થાઓ પૈકી ૩૦૨માં ભાજપનો કબજો છે. કોંગ્રેસ માત્ર ૪૪ સંસ્‍થામાં જોવા મળે છે, જ્‍યારે ૧૪ સંસ્‍થાઓમાં હાલ વહીવટદારનું શાસન છે.

ગુજરાતમાં રાજ્‍યસ્‍તરની સંસ્‍થાઓની સંખ્‍યા ૧૨ છે. જિલ્લા મધ્‍યસ્‍થ સહકારી બેંકો ૧૭ છે. જિલ્લા દૂધ ઉત્‍પાદક સંઘો ૧૯ છે. આ ત્રણેય સેકટરમાં કોંગ્રેસ પાસે શૂન્‍ય વહીવટ છે. જિલ્લા સહકારી સંઘો ૨૪ છે જે પૈકી ભાજપ પાસે ૧૮ અને કોંગ્રેસ પાસે પાંચ છે. સુગર મંડળીઓ ૨૨ છે જે પૈકી ૧૮માં ભાજપ છે અને પાંચમાં કોંગ્રેસ છે. રાજ્‍યની એપીએમસીની સંખ્‍યા ૨૧૧ છે જે પૈકી ભાજપ પાસે ૧૮૪ કોંગ્રેસ પાસે ત્રણ છે. ૨૨ ઔદ્યોગિક સંસ્‍થાઓ પૈકી ભાજપ પાસે નવ અને કોંગ્રેસ પાસે ભાજપ પાસે નવ અને કોંગ્રેસ પાસે ૧૩ છે. આ સર્વેમાં જોઇએ તો ૮૪ ટકા સહકારી સંસ્‍થાઓમાં ભાજપનું વર્ચસ્‍વ છે, જ્‍યારે કોંગ્રેસ પાસે માત્ર ૧૨ ટકા રહ્યા છે. રાજયની સહકારી પ્રવૃત્તિ એ રાજનીતિમાં સૌથી મોટું પરિબળ હોય છે. ચૂંટણીમાં વિજય અને હારના કારણોમાં આ સંસ્‍થાઓ મુખ્‍ય ભૂમિકા ભજવતી હોય છે. ગુજરાતમાં ૮૫૦૦૦થી વધુ સહકારી સંસ્‍થાઓ આવેલી છે જેમાં ૨.૩૧ કરોડ સભાસદો છે, જેનો સીધો અર્થ એવો છે કે પ્રત્‍યેક ત્રીજો ગુજરાતી સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે. કોંગ્રેસના નેતાઓ પાસેથી સહકારી મેદાન ભાજપ પાસે જતું રહ્યું છે, જે વિવિધ ચૂંટણીઓમાં કોંગ્રેસને ભારે પછડાટ આપી રહ્યું છે.

(11:50 am IST)