Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

હાલોલના આનંદપુરા ગામેથી કાચના એક ભંગારના ગોડાઉનમાં દરોડો:15 લાખની કિંમતનો દારૂ ઝડપાયો

પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે 25 લાખથી વધુના મુદામાલ સાથે 2 આંતરરાજ્ય ખેપિયાઓ સહિત 3 વ્યક્તિઓને રંગે હાથે ઝડપી પાડયા

પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે હાલોલના આનંદપુરા ગામે વડોદરા હાઇવે રોડ પર આવેલ કાચના એક ભંગારના ગોડાઉનમાં છાપો મારી એક કન્ટેનરમાંથી 15 લાખ રૂપિયા ઉપરાંતનો વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડી વિદેશી દારૂ અને કન્ટેનર મળી 25 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સાથે 2 આંતરરાજ્ય ખેપિયાઓ સહિત 3 વ્યક્તિઓને રંગે હાથે ઝડપી પાડયા હતા. જેમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો ગોવા ખાતેથી જથ્થો મંગાવનાર હાલોલ તાલુકાના કોટામૈડા ખાતે રહેતા પંથકના કુખ્યાત બુટલેગર મોહબતસિંહ ચૌહાણ અને ઘોઘંબાના દુધાપુરાના બુટલેગર અતુલભાઇ પરમાર સહિત કુલ 7 આરોપીઓ સામે હાલોલ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના કોટામૈડા ગામે રહેતો મહોબતસિંહ જશવંતસિંહ ચૌહાણ તથા ઘોઘંબા તાલુકાના દુધાપુરા ગામે રહેતો અતુલભાઇ દિલીપભાઈ પરમાર ભેગા મળી એક બંધ બોડીના કન્ટેનરની અંદર મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી મંગાવી હાલોલ તાલુકાના આનંદપુરા ગામે રોયલ કુશન કંપની સામે હાલોલ વડોદરા હાઇવે રોડ પર આવેલ એક કાચના ભંગારના ગોડાઉનમાં ઉતારી સગેવગે કરવાની પેરવીમાં છે જે બાતમીના આધારે પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે કાચના ભંગારના ગોડાઉનમાં છાપો મારી કન્ટેનરમાંથી ખાલી થતો વિદેશી દારૂનો જથ્થો રંગેહાથે ઝડપી પાડયો હતો.

એલસીબી પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની 837 પેઢીઓ જેમાં 30312 નંગ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો જેની અંદાજે કિંમત 15,08,520 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી સ્થળ પરથી કન્ટેનર સાથે 2 આંતરરાજ્ય ખેપીયા ભગવાનદાસ શિશુપાલ ગડરિયા અને રાજ બહાદુર રાજવીરસિંહ ગડરિયા.બન્ને રહે.ગામ, મચ્છર ખેડા, તા. ચન્દૌલી જિ.સંભલ ઉત્તર પ્રદેશના અને જગદીશકુમાર ઉર્ફે જગો કનકસિંહ ચૌહાણ રહે. મંદિર ફળિયુ,કોટામૈડા,તા. હાલોલનાને વિદેશી દારુ અને 10 લાખની કિંમતનું કન્ટેનર મળી કુલ 25,23,520 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

ઉપરોક્ત વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો મંગાવનાર પંથકના કુખ્યાત બુટલેગર મોહબતસિંહ જશવંતસિંહ ચૌહાણ અને અતુલભાઇ દિલીપભાઈ પરમાર સહિત કન્ટેનરના માલિક ગુલામ મોહમ્મદ હારુન રહે. લાલવારા,પોસ્ટ.ડીંગપુર તા.બિલારી જિ.મુરાદાબાદ, ઉત્તરપ્રદેશનાઓ અને ગોવાથી માલ ભરી આપનાર અજાણી વ્યક્તિ મળી કુલ 7 લોકો સામે જિલ્લા એલસીબી પોલીસે હાલ રૂરલ પોલીસ મથકે પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધાવી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

(9:39 pm IST)