Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

વડોદરામાં રખડતા પશુઓનો આતંક:ગાયે ભેટી મારતા વધુ ત્રણ શખ્સો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા: શહેરમાં રસ્તે રઝળતી ગાયો અને શ્વાન શહેરીજનો માટે ત્રાસરૂપ પુરવાર થઈ રહી હોવા છતાં પાલિકાનું તંત્ર ઉંઘ ઉડાડતુ  નથી. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વડોદરાના અલકાપુરી જેતલપુર રોડ અને વડોદરા નજીક આવેલા કોયલી ગામ પાસે રસ્તે રઝળતી ગાયોએ બાઇક સવાર પરિવારને ભેટીએ ચઢાવતા એક બાળકી સહિત ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચાડી છે. ગાયની અડફેટે આવી ગયેલી યુવાનનો લગ્નના 15 દિવસ પહેલા ચહેરો ખરાબ થઈ જતા તેઓએ પોતાનો ખરાબ થઈ ગયેલા ચહેરા અંગે મેયરને જવાબદાર ગણાવી શહેરીજનોને રસ્તે રઝળતી ગાયોના ત્રાસમાંથી મુક્તિ આપવા માંગણી કરી છે. જ્યારે બાળકીની આંખ બચી જતા પરિવારે ભગવાનનો આભાર માન્યો છે. વડોદરાના અલકાપુરી જેતલપુર રોડ  વિસ્તારમાંથી હિરેનભાઈ પરમાર મોડી સાંજે પોતાની એકટીવા ઉપર પસાર થઈ રહ્યા હતા. ટેટુ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા હિરેનભાઈ પોતાની એકટીવા ઉપર આગળ ધપી રહ્યા હતા. તે દરમિયાન એકાએક  દોડી આવેલી ગાયે તેઓને અડફેટમાં લેતા રોડ પર ફંગોળાઇ ગયા હતા. જેમાં તેઓને મોઢા ઉપર.તેમજ હાથ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ચહેરા ઉપર થયેલી નાની-મોટી ઇજાઓના કારણે તેઓને 12 ટાંકા લેવાનો વખત આવ્યો છે. નોંધનીય છે કે હિરેનભાઈ પરમારનું આગામી 15 દિવસ બાદ લગ્ન થવાના છે. ત્યારે લગ્ન પહેલા જ તેમનો ચહેરો ખરાબ થઈ જતા તેઓએ પાલિકા તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. બીજા બનાવમાં વડોદરા નજીક આવેલા કોયલી ગામ પાસેથી મેકવાન દંપતિ પોતાની 9 વર્ષની બાળકી સેઝાન સાથે બાઇક ઉપર પસાર થઈ રહ્યું હતું. દરમિયાન એકાએક ગાય આવી જતા બંને પરિવારને ભેટીએ ચડાવ્યા હતા. અને પરિવાર રોડ ઉપર ફંગોળાઈ ગયું હતું. જેમાં  નવ વર્ષની બાળકીને આંખ પાસે તેમજ તેના દાદા જયંતીભાઈને શરીરના અન્ય ભાગોમાં નાની મોટી ઈજાઓ પહોંચી હતી. માસુમ બાળકીને આખ પાસે  ઇજા થતા 7 ટાંકા લેવામાં આવ્યા છે. આખ બચી જતા પરિવારે ભગવાનનો આભાર માન્યો હતો. બાળકીના દાદી પુષ્પાબેન મેકવાને જણાવ્યું હતું કે, તંત્રના નિષ્ફળ આયોજનના કારણે દીકરીની આંખ બચી ગઇ છે. વળતરની પણ કોઈ આશા રાખી શકાતી નથી. જો આંખ ફૂટી ગયો હોત તો જવાબદાર કોણ. આ ઉપરાંત શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ અસહ્ય બન્યો છે. છાશવારે અકસ્માતના બનાવ સામે આવી રહ્યા છે. તેવામાં છેલ્લા કેટલાક દિવસથી હરણી રોડ પર આવેલા સંવાદ કવાટર્સમાં રખડતાં શ્વાનને ભયનું વાતાવરણ ફેલાવ્યુ છે.

(6:32 pm IST)