Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

સુરત રેલવે સ્ટેશન પર શૌચાલય સાફ કરતી સગીરા પર લિફ્ટમાં દુષ્કર્મ : બે નરાધમોની ધરપકડ

દિવ્યાંગ અને સિનિયર સિટિઝનની લિફ્ટમાં લઈ ગયા અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો અને જાનથી મારવાની ધમકી આપી

સુરત રેલવે પોલીસ સ્ટેશન ની હદમાં સગીરા પર બળાત્કાર ગુજારનાર બે આરોપીની રેલવે પોલીસે ધરપકડ કરી હતી. ગત 22 મેના રોજ સુરત રેલવે પોલીસ સ્ટેશનની હદમાં આ ગંભીર ગુનો બન્યો હતો. રેલવે પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. 22 મેના રોજ જીઆરપીની ટીમ સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી અને અપ-ડાઉન ટ્રેનો પર નજર રાખી રહી હતી ત્યારે રાત્રે 9.30 વાગ્યે હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર અને પોલીસ કોન્સ્ટેબલ વિજય સિંહને બંને આરોપીઓ વિશે માહિતી મળી હતી. બાદમાં પોલીસે આરોપી 22 વર્ષીય રાહુલ કુમાર સિંહ રાજપૂત અને બિટ્ટુ કુમાર રાજપૂતની ધરપકડ કરી હતી.

પોલીસ ઈન્સ્પેક્ટર કનુ ચૌધરીએ જણાવ્યું હતું કે, અમદાવાદ નજીકના એક નાના ગામની 17 વર્ષની સગીરા 9 મેના રોજ 18 વર્ષના મિત્ર સાથે તેના ઘરથી નીકળી ગઈ હતી. વિવિધ સ્થળોએ રોકાયા બાદ 13 મેના રોજ સુરત આવ્યા હતા. સુરત આવીને બંને નોકરીની શોધમાં હતા. બંનેએ સ્ટેશન પર કોન્ટ્રાક્ટમાં શૌચાલય ચલાવતા લોકો પાસે કામ માંગ્યું હતું. જે વ્યક્તિ પાસે શૌચાલય છે તેણે કહ્યું હતું કે, અત્યારે તેમની પાસે પ્લેટફોર્મ નંબર ચાર પર કોઈ વ્યક્તિ નથી તો તે લોકો થોડા દિવસો સુધી કામ કરી શકે છે. ત્યારબાદ તેમને જવું પડશે. રોજના 100 થી 200 રૂપિયા મળશે તેવું વિચારીને યુવતીએ તેના મિત્ર સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું. ત્યાર પછી 19મી મેના રોજ યુવતી ઉધના બાજુના શૌચાલય પાસે સૂતી હતી અને તેના મિત્રને બંને આરોપીઓએ રિઝર્વેશન લાઇનમાં બેસાડી દીધો હતો.

આ પછી આરોપી યુવતી પાસે ગયો અને કહ્યું કે તેનો મિત્ર તેને બોલાવે છે તેમ કહીને દિવ્યાંગ અને સિનિયર સિટિઝનની લિફ્ટમાં લઈ ગયા હતા અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને જાનથી મારવાની ધમકી આપી હતી.

જોકે સગીરા થોડા દિવસો સુધી ચૂપ રહ્યા બાદ આખી વાત તેના મિત્રને જણાવી હતી અને ત્યારબાદ તેણે 22 મેના રોજ પોલીસનો સંપર્ક કર્યો હતો. પીઆઈ કનુ ચૌધરીએ જણાવ્યું હતું કે, આરોપીઓને ખબર ન હતી કે પોલીસ તેમની પાછળ છે. જેથી તેઓ ભાગ્યા ન હતા. બંને આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી પીઆરએસ ટોયલેટમાં કામ કરે છે અને મૂળ બિહારના છે

(9:18 pm IST)