Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

અમદાવાદના વસ્ત્રાપુર અને સોલા દારૂ વેચતા બે સગા ભાઇની ધરપકડ

વસ્ત્રાપુર પોલીસે ગુંહો નોધી તપાસ હાથ ધરી

અમદાવાદના વસ્ત્રાપુર અને સોલા વિસ્તારમાં મોંઘી બ્રાન્ડનો દારૂ વેચતા બે સગા ભાઈઓની પોલીસે ધરપકડ કરી છે. દારૂનો સ્ટોક આ બન્ને ભાઈઓ પોતાના બંગલામાં કરતા હોવાનું સામે આવ્યું છે. વસ્ત્રાપુર પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વસ્ત્રાપુર પોલીસે રાજપથ કલબની સામે રંગરેજ પાર્કમાં રેડ કરી હતી. આ રેડમાં પોલીસે રૂ 4.60 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ દારુનો રેકેટ બન્ને સગાભાઈ અરવિંદ પટેલ અને સોલામાં પકડાયેલા વિનોદ પટેલ ચલાવતા હતા. જો કે, આ લોકોનું રહેઠાણ શહેરના શાહપુર વિસ્તારમાં આવેલું છે અને તેઓ ત્યાજ રહે છે પરતું દારુનો ધંધો કરવા માટે આ ભાઈઓએ પોશ વિસ્તારમાં મકાન લીધો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ બન્ને ભાઈઓ હાઈપ્રોફાઇલ સ્ટાઈલથી દારૂનો ધંધો કરતા હતા અને રાજસ્થાનથી બસમાં પાર્સલથી જંગી માત્રામાં દારુ મંગાવતા હતા. છેલ્લાં બે વર્ષથી આ બૂટલેગરો વૈભવી લાઈફસ્ટાઈલ વચ્ચે દારૂનો ધંધો કરતા હોવાનું ખૂલ્યું છે. હાલ પોલીસે આ બન્ને ભાઈની ધરપકડ કરીને તેઓ દારૂનું વેચાણ કોને કરતા હતા અને તેની સાથે કોણ કોણ સંડોવાયેલા છે એને લઈને પૂછપરછ શરૂ કરી છે.

સોલા પોલીસે મળેલી બાતમીને આધારે સોલામાં આવેલા એક વૈભવી બંગલામાં દરોડો પાડ્યો હતો. જયાં વિદેશી બ્રાન્ડની રૂપિયા 9 લાખની કિંમતની 275 જેટલી દારૂની બોટલો કબજે કરીને આરોપી બૂટલેગર એવા વિનોદ પટેલની ધરપકડ કરી હતી. જો કે, પોલીસને શંકા ન જાય તે માટે વિનોદ જમીન દલાલીનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું છે. દારૂના વેચાણની સાથે સાથે વિનોદ પટેલ પોલીસને શંકા ન પડે એ માટે જમીન-દલાલનો ધંધો કરતો હતો.

(9:50 pm IST)