Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

અમદાવાદીઓ માસ્ક પહેરવામાં ઉદાસીન : એક વર્ષમાં 51 કરોડથી વધુનો દંડ વસુલાયો

માસ્ક ન પહેરવા બદલ 6.46 લાખ લોકોએ 51.62 કરોડ રૂપિયાનો દંડ ચૂકવ્યો

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, છતાં સંભવિત કોરોનાના ત્રીજા વેવને આવતો અટકાવવા માટે માસ્ક પહેરવું જરૂરી છે. સરકારે માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું છે. અને માસ્ક ન પહેરે તેને રૂપિયા 1000નો દંડ કરવામાં આવે છે. 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવતો હોવા છતાં ઘણા લોકો માસ્ક નહીં પહેરીને નિયમોનો સરેયામ ભંગ કરી રહ્યા છે. અમદાવાદ શહેર પોલીસના આંકડા પ્રમાણે, 1 જૂન 2020થી 1 જૂન 2021ની વચ્ચે માસ્ક ન પહેરવા બદલ 6.46 લાખ લોકોએ 51.62 કરોડ રૂપિયાનો દંડ ચૂકવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ અ મદાવાદ શહેરમાં જુલાઈ 2020માં જ્યારે કોવિડની સ્થિતિ સુધરી રહી હતી ત્યારે સૌથી વધુ 1.20 લાખ લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં સુઓ-મોટો અરજી પર સુનાવણી ચાલી રહી હોવાથી, પોલીસ માસ્ક દંડ વસૂલવામાં લોકો પર કડક લાગી રહી હતી.

આ જ મહિનામાં, 12મી જુલાઈએ ગુજરાત સરકારે માસ્કના દંડની રકમ 200 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરી દીધો હતો. કોરોનાના કેસ ઓગસ્ટમાં ઘટીને માત્ર 13,110 થઈ ગયા હતા, પરંતુ રાજ્ય સરકાર દ્વારા દંડની રકમ 500 રૂપિયાથી વધારીને 1000 રૂપિયા કરી દેવામાં આવી હતી, જ્યારે હાઈકોર્ટમાં અરજીની સુનાવણી ચાલી રહી હતી. આ એ સમય હતો, જ્યારે તહેવારોની ઉજવણી કરવામાં આવી હતી અને પોલીસે લોકો પ્રત્યે કૂણું વલણ દાખવ્યું હતું, તહેવારો બાદ ઓગસ્ટ 2020માં શહેરમાં ફરીથી કોવિડ-19ના કેસ વધવાના શરૂ થઈ ગયા હતા.

ઓક્ટોબરમાં, શહેરમાં માસ્ક ઉલ્લંઘનના 45,636 કેસ નોંધાયા હતા જે નવેમ્બરમાં ઘટીને 26,207 થઈ ગયા હતા. આ એ સમય હતો જ્યારે ચૂંટણીની ચર્ચા થઈ રહી હતી. નવેમ્બર અને ડિસેમ્બરના મધ્યમાં કેસ વધ્યા બાદ, પોલીસે માસ્ક ઉલ્લંઘનનો બીજો સૌથી મોટો આંકડો વસૂલ્યો હતો, જે 1.04 લાખ હતો. ફેબ્રુઆરી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મહિનામાં શહેર પોલીસે અત્યારસુધીના સૌથી ઓછા માસ્ક ઉલ્લંઘનના 7,925 કેસ નોંધ્યા હતા. પરંતુ, એપ્રિલમાં કોવિડ-19ના કેસ વધવાનું શરૂ થતાં અને લોકો મહામારીની બીજી લહેરના ભોગ બનતાં, પોલીસે માસ્ક નિયમનો કડક અમલ કર્યો હતો. એપ્રિલમાં માસ્ક ઉલ્લંઘનના 52,311 જ્યારે મે 2021માં 56,725 કેસ નોંધાયા હતા.

(12:32 am IST)