Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ICRAના રિપોર્ટમાં ટુ-વ્હીલરની કિંમતમાં ઘટાડાનો અંદાજ

ઈલેકટ્રીક ટુ-વ્હીલર ૩૦ હજાર રૂપિયા સુધી સસ્તા થશે

રાજય સરકારે હાલમાં જ નવી ઈલેકિટ્રક વ્હીકલ (EV) પોલિસી જાહેર કરી છેઃ જેમાં ગુજરાતને પ્રદૂષણ મુકત બનાવવા ઈલેકિટ્રક ટુ-વ્હીલરને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે

અમદાવાદ, તા.૨૪: ગુજરાતને પ્રદૂષણ મુકત બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. કેન્દ્રની ફેમ-૨ સ્કીમ (FAME-II) હેઠળ વધારવામાં આવેલી સબસિડીની સાથે રાજય સરકારની નવી ઈલેકિટ્રક વ્હીકલ (EV) પોલિસી હેઠળ ટૂંક સમયમાં ઈલેકિટ્રક ટુ-વ્હીલરની કિંમત ૩૦ હજાર રૂપિયા જેટલી ઓછી થઈ શકે છે. રેટિંગ એજન્સી ICRA તરફથી જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં ઘટાડાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

ગુજરાત રાજય ઈવી (EV) પોલિસી ૨૦૨૧, ૧ જુલાઈ ૨૦૨૧થી ચાર વર્ષ માટે લાગુ રહેશે. રાજય સરકાર પણ ઈલેકિટ્રક ફોર-વ્હીલર પર ૧૦, ૦૦૦ રૂપિયા પ્રતિ કિલોવોટની ઓફર પણ આપી રહી છે. તો રેટિંગ એજન્સીએ કહ્યું હતું કે, ગુજરાતમાં ઈલેકિટ્રક કારના ભાવમાં ૧.૫ લાખથી ૩ લાખ રૂપિયા સુધીનો ઘટાડો થવાની શકયતા છે.

ICRA અનુસાર, પોલિસી ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર સેગમેન્ટ્સ માટે સકારાત્મક છે અને સૌથી સારી વાત એ છે કે, વ્યકિતગત ઉપયોગ માટે પેસેન્જર વ્હીકલ રાજયની પોલિસી હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જે વર્તમાનમાં FAME-IIથી બાકાત રાખવામાં આવી છે.

પોલિસી હેઠળ, રાજય સરકારે ઈલેકિટ્રક ટુ-વ્હીલર્સ, ઈલેકિટ્રક થ્રી-વ્હીલર્સ અને ઈલેકિટ્રક ફોર-વ્હીલર્સ માટે કેન્દ્ર સરકાર તરફથી કોઈ પણ સબસિડી સિવાય ૧૦ હજાર રૂપિયા પ્રતિ કિલોવોટની માગ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

ICRAના વાઈસ પ્રેસિડેન્ટ અને સેકટર હેડ (કોર્પોરેટ રેટિંગ્સ), આશિષ મોદાણીએ જણાવ્યું હતું કે, 'ભારે ઉદ્યોગ વિભાગ' સુધારણા અને ગુજરાત સરકારના પ્રોત્સાહનના પરિણામે ઈલેકિટ્રક ટુ-વ્હીલરના ભાવમાં આશરે ૩૦ હજાર રૂપિયાનો ઘટાડો થઈ શકે છે'

તેમણે કહ્યું હતું તે, તે નોંધપાત્ર છે અને પરંપરાગત ટુ-વ્હીલર્સ સાથે કિંમતોની સમાનતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે.

જો સફળતાપૂર્વક અમલ મૂકવામાં આવે તો, ગુજરાત ઈવી પોલિસીના પરિણામરૂપ થ્રી-વ્હીલર સેગમેન્ટમાં ઓછામાં ઓછા ૨૫ ટકા ઈવી પ્રવેશ કરી શકે છે. ચાર વર્ષના સમયગાળામાં ૧.૧૦ લાખ ઈલેકિટ્રક ટુ-વ્હીલર વેચવાનું લક્ષ્ય, ૨૦૧૯-૨૦માં વેચાયેલા ૧૦.૬ લાખ ટુ-વ્હીલર્સની સરખામણીમાં સામાન્ય છે'.

(10:51 am IST)