Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ : હું જ્યાં છું ત્યાં બરાબર છું : હાર્દિક પટેલ

રાહુલ ગાંધીના આગમન પહેલા હાર્દિક પટેલે આપમાં જોડાવવા મુદ્દે આપ્યું મોટું નિવેદન

અમદાવાદ તા. ૨૪ : એક કેસના મુદ્દે કોર્ટમાં હાજર થવા માટે રાહુલ ગાંધી સુરત આવ્યા છે, ત્યારે રાહુલ ગાંધીના આગમન પહેલા રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ ગુજરાતના રાજકારણમાં હલચલ તેજ થઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલનો દાવો છે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપનો વિકલ્પ બનીને સામે આવશે ત્યારે રાજકારણમાં અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. એવામાં આજે એક કેસના મુદ્દે કોર્ટમાં હાજર થવા માટે રાહુલ ગાંધી સુરત આવી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીના આગમન પહેલા રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીમાં પદાધિકારીઓની નિમણૂકને લઈને અસમંજસતા જોવા મળી રહી છે. નવા પ્રદેશ પ્રમુખ, પ્રભારીથી લઈને આખા માળખામાં ફેરફારની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે હાર્દિક પટેલ હાંસિયામાં ધકેલાઇ ગયા હોવાથી તેઓ નારાજ છે તેવી ચર્ચા રાજકારણમાં શરૂ થઈ છે.

એવામાં ઘણા સમયથી અટકળો હતી કે હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ જશે અને આમ આદમી પાર્ટી તરફથી તેઓ પાટીદાર ચહેરો બનશે. કેટલાક મીડિયા અહેવાલોમાં પણ તેના પર દાવાઓ કરવામાં આવ્યા હતા ત્યારે આજે સમગ્ર મુદ્દે હાર્દિક પટેલે મૌન તોડ્યું છે અને મીડિયા સમક્ષ સમગ્ર મામલે મોટું નિવેદન આપ્યું છે.

હાર્દિક પટેલે કહ્યું કે ગુજરાતની જનતાને ભરમાવવા માટે ભાજપ દ્વારા પ્લાન્ટેડ ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે. હું જયાં છું ત્યાં બરાબર છું, મારો હેતુ ગુજરાતના યુવાનોને ન્યાય મળે અને સુખ સમૃદ્ઘિ પ્રાપ્ત થાય તે માટેનો છે અને તે માટે સતત પ્રયાસ કરતાં રહીશું.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી મુદ્દે હાર્દિક પટેલે કહ્યું કે ભાજપથી નારાજ મતોનું ધ્રુવીકરણ કરીને ભાજપની બી ટીમ બની તેને જીતાડવાનું કામ આમ આદમી પાર્ટી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ પહેલા પણ ત્રીજા પક્ષ દ્વારા કોંગ્રેસને હરાવવાનું કામ કરવામાં આવ્યું છે. ગુજરાતનો તમામ સમાજ કોંગ્રેસ તરફ પ્રયાણ કરી રહ્યો છે.

(3:26 pm IST)