Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

વડોદરામાં પરિણીતાની ફરિયાદથી પોલીસ ચોંકી : બેકાર પતિએ પત્નીને કહ્યું 'તારૂ શરીર વેચીને પણ પૈસા લાવ'!

પતિનું દબાણ વધતા આખરે ડેન્ટલ ક્લિનિકમાં નોકરી કરવાની ફરજ પડી : માર મારતો અને વધુ રૂપિયાની માંગણી કરતો હતો : પતિ સહિત સાસરીયાઓ સામે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

વડોદરામાં એક પરણીતાએ મહિલા પોલીસમાં  પોતાની આપવીતી રજૂ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.જેમાં ઘર ચલાવવા માટે પત્નીને શરીર વેચીને પૈસા લાવવા માટે દબાણ કરતા પતિ સહિત સાસરીયાઓ સામે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરાના રાજમહેલ રોડ વિસ્તારમાં રહેતા જાનવી (નામ બદલ્યુ છે) ના લગ્ન વર્ષ-2020માં વડોદરાના એચ-5 મારૂતિધામ ફ્લેટ ટીપી-13, છાણી જકાતનાકા ખાતે રહેતા ઋષિકેષ રોહિતભાઇ સુથાર સાથે થયા હતા, જાનવીબેને મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ઋષિકેષે સગાઇ બાદ જણાવ્યું હતું કે, હવે આપણા લગ્ન થવાના છે. શારીરિક સંબંધ બાંધવામાં શું વાંધો છે, તેમ કહી પોતાના ઘરે બોલાવીને અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા તેમજ પતિએ પોતાની ઉંમર છુપાવી હતી અને તેનો પગાર 10 હજાર રૂપિયા હોવા છતાં રૂપિયા 20 હજાર હોવાનું જણાવીને ખોટી રીતે લગ્ન કર્યાં હતા. લગ્ન બાદ પતિએ નોકરી છોડી દેતા ગુજરાન ચલાવવામાં મુશ્કેલીઓ ઉભી થઈ હતી.

ફરિયાદમાં જણાવાયા મુજબ પતિએ નોકરી છોડી દીધા બાદ જાનવીને નોકરી કરવા માટે દબાણ કરી પતિ એમ પણ કહેતો હતો કે, ઘરમાં ગમે તે રીતે પૈસા લાવ, તારુ શરીર વેચીને પણ ઘરનું ગુજરાન ચલાવવા માટે પૈસા લાવ.

પતિનું દબાણ વધતા આખરે ડેન્ટલ ક્લિનિકમાં નોકરી કરવાની ફરજ પડી હતી અને નોકરી ચાલુ કર્યાં બાદ કોઇ દિવસ ઘરે આવવામાં મોડું થાય ત્યારે પતિ ઋષિકેશ માર પણ મારતો હતો.

આમ ઝગડા વધતા વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી.પતિ તેમજ સાસુ-સસરા જણાવતા હતા કે, તારા ઘરેથી રૂપિયા 2 લાખ લાવીશ તો જ અમે તને ઘરમાં રહેવા દઇશું. નહીં તો છૂટાછેડા લેવા માટે તૈયાર રહેજે. છૂટાછેડા લેવા માટે માસી સાસુનો પુત્ર મનિષ પણ દબાણ કરતો હતો અને મનિષ જણાવતો હતો કે, તું છૂટાછેડા આપી દે, નહીં તો તારા ઉપર એસિડ નખાવી દઇશ. લગ્નના બે-ત્રણ માસ પછી પતિ સાસુ, સસરા, માસી સાસુ તેમજ દિયરે અમાનુષી અત્યાચાર ગુજારવાનું શરૂ કરતા થાકી હારી ને આખરે આ પરણીતા એ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આખરે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:09 pm IST)