Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

GTU ખાતે ટોયકાથોનનો પ્રારંભ : વિદ્યાર્થીઓ રમકડા નિર્માણના વિચારો - ટેકનીક રજૂ કરશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ ડીજીટલ માધ્યમ દ્વારા ભાગ લેનાર સાથે ચર્ચા કરશે : GTU નોડલ કેન્દ્ર તરીકે પસંદ

ગાંધીનગર તા. ૨૪ : માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય દ્વારા ટોયકાથોન -૨૦૨૧નો શુભારંભ કરવામાં આવ્યો છે. જુદાં-જુદાં ૬૮ પ્રોબ્લેમ અને સ્ટેટમેન્ટ પર ભારતની ૧૪૦૦૦ ટીમે ભાગ લઈ રહી છે. રાજયમાંથી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને (GTU) નોડલ કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવી છે. રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિહ ચૂડાસમાના વરદ હસ્તે ટોયકાથોન – ૨૦૨૧થો શુભારંભ કરવામાં આવ્યો છે.

આજે વિદ્યાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ડિજીટલ માધ્યમ થકી ચર્ચા કરશે. કાર્યક્રમના મુખ્ય અતિથિ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારતીય બજારમાં ૧.૫ મીલીયન ડોલરનું રમકડાં માર્કેટ છે. જેમાંથી ૮૦% રમકડાની વિદેશમાંથી આયાત થાય છે. આ પ્રકારના ટોયકાથોનથી આત્મનિર્ભર ભારતને વેગ મળશે અને વિદેશી આયાત ઘટશે.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને હાજર જીટીયુના કુલપતિ પ્રો.ડો. નવીન શેઠે ભાગ લઈ રહેલાં વિદ્યાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, જીટીયુ વિવિધ ટોય ઈન્ડસ્ટ્રીઝ સાથે મળીને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે હંમેશા માટે કાર્યરત રહેશે.

ભારત સરકારે રમકડાં ઉધોગનો વિકાસ થાય અને મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળી રહે તે અર્થે ટોયકાથોન-૨૦૨૧ નું આયોજન કર્યું છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકિનકલ એજયુકેશન, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય પણ ટોયકાથોનના આયોજનમાં સહભાગી થયેલ છે. ૩ દિવસીય ટોયકાથોનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ દ્વારા રમકડાં ઉદ્યાગને લગતાં વિવિધ પ્રોબ્લમ સ્ટેટમેન્ટ પર કાર્યરત રહીને ભારતીય સંસ્કૃતિ, ઈતિહાસ, રચનાત્મકતા અને લોજીકલ વિષયો પર રમકડા નિર્માણ માટેના આઈડિયાઝ રજૂ કરાશે.

શિક્ષણ મંત્રાલય દ્વારા જીટીયુને કુલ ૩૦ ટીમો ફાળવવામાં આવી છે. જેમાંથી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડિજિટલ લેવલમાં ૧૦ ટીમો ભાગ લઈ રહી છે. જયારે આગામી સમયમાં સામાન્ય સંજોગોમાં ફિઝીકલ મોડમાં અન્ય ૨૦ ટીમો ભાગ લેશે. આ ટોયકાથોનનો મુખ્ય હેતુ આજના યુવા ટેકનોક્રેટના વિચારો અને તેમની આવડતથી રમકડાં ઉદ્યોગમાં રહેલી વિવિધ સમસ્યાઓનું સમાધાન મેળવવાનું છે.

ઉદ્ઘાટન પ્રસંગે જીટીયુના કુલસચિવ ડો. કે. એન. ખેર , જીઆઈસી હેડ ડો. સંજય ચૌહાણ અને ડીઆઈસી ઈન્ચાર્જ ડો. એસ. કે. હડિયા ઉપસ્થિત રહ્યા હતાં.

(3:28 pm IST)