Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

સુરત:ડાયમંડ ખરીદીના બહાને ઠગાઈ આચરનાર ત્રણ આરોપીના જામીન અદાલતે નામંજૂર કર્યા

સુરત શહેરમાં:ડાયમંડ ખરીદીના નામે  અસલી ડાયમંડને બદલે નકલી ડાયમંડ પરત કરીને ઠગાઈ-વિશ્વાસ ઘાતના કારસામાં કાપોદરા પોલીસે જેલભેગા કરેલા ત્રણ આરોપીઓની જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ કોર્ટે નકારી કાઢી આરોપીઓ વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ હોવાનો નિર્દેશ આપ્યો છે.

મૂળ ભાવનગરના વલ્લભીપુરના વતની ફરિયાદી ધવલ નારાયણ દિયોરા (રે.શુકનવેલી રેસીડેન્સી,કતારગામ) ડાયમંડ ખરીદીના નામે ઓફીસ પર બોલાવીને વજન કરવાના બહાને અસલીને બદલે અમેરીકન ડાયમંડની અદલાબદલી કરીને ગુનાઈત ઠગાઈનો કારસો રચવા બદલ પાંચ આરોપીઓ વિરુધ્ધ કાપોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ આરોપી વિમલ કાંતિ વસાણી,રાહુલ કથીરીયા,ઉમેશ માંગુકીયા,લક્ષ્મીકાંત ગૌડા તથા આશિષ ગોંડલીયા વગેરેએ એકબીજાના મેળા પિપણામાં ફરિયાદીને પોતાના ભળતા નામ આપીને ડાયમંડ ખરીદીના બહાને પુણાગામ સ્થિત ક્રિસ્ટલ પ્લાઝા દર્શનની ઓફિસમાં બોલાવ્યા હતા.આરોપીઓએ ફરિયાદી પાસેથી 69.80 કેરેટ પૈકી એક કેરેટ હીરાની કિંમત 23 હજાર લેખે 16.05 લાખની કિંમતના હીરા વજનના બહાને મેળવ્યા હતા.ત્યારબાદ વજન કાંટીમાં પહેલાથી જ રાખેલા અમેરિકન ડાયમંડની અસલી ડાયમંડની સામે અદલાબદલી કરીને ફરિયાદી સાથે ગુનાઈત ઠગાઈનો કારસો રચ્યો હતો.

આ કેસમાં કાપોદરા પોલીસે જેલભેગા કરેલા આરોપી ઉમેશ નાગજી માંગુકીયા (રે.યોગીનગર,સરથાણા) વિમલ કાંતિ વસાણી (રે.બ્લ્યુવબેલ એપાર્ટમેન્ટ મોટા વરાછા) તથા લક્ષ્મીકાંત ઉર્ફે લવ પ્રફુલ્લ ગૌડા (રે.ગુ.હા.બોર્ડ પાંડેસરા)એ જામીન માટે માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી કિશોર રેવાલીયાએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે આરોપીઓ વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ છે.આ કેસના સહ આરોપી આશિષ ગોંડલીયાને પકડવાનો બાકી હોઈ આરોપીઓને જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના  ઉપરાંત સમાજ તથા પોલીસ તપાસ પર વિપરિત અસર પડે તેમ છે.જેને કોર્ટે માન્ય રાખી ત્રણેય આરોપીઓના જામીનની માંગને નકારી કાઢતો હુકમ કર્યો છે.

(5:53 pm IST)