Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

અગ્નિવીર યુવાનોને મળશે બનાસ ડેરીમાં નોકરીની તક: ટ્રેનિંગ માટે તાલીમ કેમ્પનું પણ આયોજન કરશે

આર્મીની અંદર જે ગ્રેડ પર હોય તેનાથી એક સ્ટેપ વધારાનું આપી નોકરી પર રાખીશું: શંકર ચૌધરી

દેશના ઘણા રાજ્યોમાં અગ્નિવીર યોજનાનો વિરોધ થઈ રહ્યો છે. યુવાનો નોકરીના 25 વર્ષ બાદ શું કરશે તેના પર વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યું છે. તેને લઈને સરકાર દ્વારા પણ ફેરફાર કરી સ્પષ્ટતા કરવામાં આવી છે. બીજી તરફ નાના મોટા ઉદ્યોગો પણ અગ્નિવીરો માટે નોકરી જાહેરાત કરી રહ્યા છે ત્યારે અગ્નિવીરને લઈને બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ મહત્વની જાહેરાત કરતાં કહ્યું છે કે બનાસડેરી અગ્નિવીર યુવાનો માટે તાલીમ કેમ્પનું આયોજન કરશે. આ કેમ્પમાં અગ્નિવીર યુવાનોને તાલીમ અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે તેમજ આર્મીની નોકરીના 4 વર્ષ બાદ બનાસડેરી યુવાનોને નોકરીની તકમાં પહેલી પ્રાથમિકતા આપશે તેવો નિર્ણય પણ આજે મળેલી બેઠકમાં લેવામાં આવ્યો છે.

વધુમાં શંકર ચૌધરીએ કહ્યું કે ડેરીની અંદર અમારે 21થી 22 વર્ષની ઉંમરના લોકોની ભરતી કરી જ રહ્યા છીએ. પણ અગ્નિવીર યોજનાના સ્કિલ યુવાનો 4 વર્ષ પછી બનાસડેરીમાં કામ કરવાનું પસંદ કરશે તો અમે આવકારીએ છીએ. અમે આર્મીની અંદર જે ગ્રેડ પર હોય તેનાથી એક ગ્રેડ વધુ આપી તેમની આવડતનો ઉપયોગ બનાસડેરીમાં કરી નોકરી આપીશું. 

(12:51 am IST)