Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

વાવણીની મોસમમાં જ પ્રવેશોત્‍સવ, વાવેતરની જેમ બાળકોની માવજત જરૂરી : જયદીપ દ્વિવેદી

ગ્રામીણ ક્ષેત્રમાં શાળા પ્રવેશોત્‍સવ પ્રસંગે અધિક સચિવનું પ્રેરક ઉદ્‌બોધન

આણંદ જિલ્લાના ચિખોદરા ગામની જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં રાજ્‍યના નર્મદા જળસંપતિ વિભાગના અધિક સચિવ શ્રી જયદીપ દ્વિવેદીએ ઉપસ્‍થિત રહી ઉદ્‌બોધન, ઇનામ વિતરણ અને વૃક્ષારોપણ કરેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ તા. ૨૪ : રાજ્‍ય સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓના ધો. ૧માં બાળકોને પ્રવેશ આપવા ગઇકાલથી રાજ્‍યવ્‍યાપી શાળા પ્રવેશોત્‍સવ શરૂ થયો છે. રાજ્‍યના નર્મદા જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગના અધિક સચિવ શ્રી જયદીપ બી. દ્વિવેદીને ૩ દિવસ આણંદ જિલ્લાના ચિખોદરા, રાસનોલ, રાહતલાવ, કાસોર, લાભવેલ વગેરે ગામોમાં શાળા પ્રવેશોત્‍સવમાં હાજરી આપવાની જવાબદારી સોંપાયેલ છે. ગઇકાલે પ્રથમ દિવસે તેમણે આણંદ તાલુકાના ચિખોદરા ગામની પ્રાથમિક કન્‍યા શાળામાં હાજરી આપી બાળકોના પ્રાથમિક શિક્ષણને વાવણી સાથે સરખાવતુ પ્રેરક પ્રવચન કર્યું હતું.

અધિક સચિવ શ્રી જયદીપ દ્વિવેદીએ મહેમાનો, ગામવાસીઓ, શિક્ષકો, વિદ્યાર્થીનીઓ વગેરેને સંબોધતા જણાવેલ કે વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્‍યમંત્રી હતા તે વખતથી રાજ્‍યમાં શાળા પ્રવેશોત્‍સવ શરૂ થયો છે. હું દર વર્ષે અલગ-અલગ વિસ્‍તારોમાં શાળા પ્રવેશોત્‍સવમાં જાવ છું. સરકારે અમને સચિવાલયના કામ ઉપરાંતનું આ કામ સોંપ્‍યું તેમાંથી આનંદ મળે છે. અત્‍યારે ખેતરોમાં વાવણીનો સમય છે. શાળાઓ પણ આ જ અરસામાં શરૂ થઇ રહી છે. ચોમાસુ વાવણી અને શાળા પ્રવેશોત્‍સવનો સમય સાથે આવે છે. જેમ ખેતરમાં વાવણી કર્યા પછી સમયાંતરે ખાતર, પાણી, નિંદામણ વગેરેની જરૂર રહે છે તે જ રીતે બાળકો પણ શાળામાં ભણવાનું શરૂ કરે પછી વાવણીની ઢબથી જ તેની માવજત કરવી જોઇએ. જેમ વાવેતરની કાળજી રાખવાથી વૃધ્‍ધિ સારી થાય છે તે રીતે બાળકોનું જતન કરવાથી તેનો પણ વિકાસ પણ સારી રીતે થઇ શકે છે. સરકારે શૈક્ષણિક ઉત્‍કર્ષ માટે અનેક યોજનાઓ સમયમાં મૂકી છે.

શ્રી જે.બી.દ્વિવેદીએ શૈક્ષણિક કારકિર્દીની કેડીઓ કદમ માંડી રહેલા બાળકોને શુભેચ્‍છા પાઠવી શાળા પ્રવેશોત્‍સવના આયોજનમાં સહયોગી બનેલા દાતાઓ, શિક્ષકો, કર્મચારીઓ, ગ્રામજનો વગેરેને અભિનંદન આપ્‍યા હતા.

(11:23 am IST)