Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

તન અને મનની તંદુરસ્‍તી માટે યોગને જીવનનો ભાગ બનાવીએ : ધીરજ કાકડિયા

ભાજપ સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્‍દ્રીય સંચાર બ્‍યુરોના પ્રાદેશિક કાર્યાલય દ્વારા અમદાવાદના ફતેપુરા ખાતે યોજાયેલ યોગ દિન ઉજવણી પ્રસંગે ડો. ધીરજ કાકડિયા, હેમેન્‍દ્રસિંહ રાજપૂત, દેવેન્‍દ્ર ત્રિવેદી વગેરે ઉપસ્‍થિત રહેલ તે પ્રસંગની તસ્‍વીર.
રાજકોટ તા. ૨૪ : ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્‍દ્રીય સંચાર બ્‍યુરો, પ્રાદેશિક કાર્યાલય અમદાવાદ દ્વારા અમદાવાદના ફતેપૂરા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. અખંડ જયોત ચેરીટી ટ્રસ્‍ટ તેમજ રાજયોગ યોગાચાર્ય હેમેન્‍દ્રસિંહ રાજપૂતના સહયોગથી આયોજીત યોગ દિવસના કાર્યક્રમનો કેન્‍દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત એકમના વડા અને પ્રેસ ઇન્‍ફર્મેશન બ્‍યૂરો તેમજ કેન્‍દ્રીય સંચાર બ્‍યૂરોનાં એડીશનલ ડીજી ડાઙ્ઘ.ધીરજ કાકડીયાનાં હસ્‍તે દીપ પ્રાગટ્‍ય કરી આરંભ કરવામાં આવ્‍યો.
ડો.ધીરજ કાકડીયાએ સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ પાઠવાની સાથે સૌને તન અને મનના સારા સ્‍વાસ્‍થ્‍ય માટે યોગને જીવનનો એક ભાગ બનાવી નિયમિત યોગ કરવા અનુરોધ કર્યો. તેમણે કહ્યું કે ભારતીય સંસ્‍કૃતિની અનમોલ વિરાસત એવા યોગને હવે સમગ્ર વિશ્વએ અપનાવી વિશ્વભરમાં ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઇ રહી છે તે આપણા સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે. યોગ પ્રત્‍યે જનજાગૃતતા વધે અને વધુને વધુ લોકો યોગ સાથે જોડાય તેવા હેતુ સાથે આ વિશેષ કાર્યક્રમનું આયોજન થયું હોવાનું જણાવી કેન્‍દ્રીય સંચાર બ્‍યૂરો, અમદાવાદના અધિકારી દેવેન્‍દ્ર ત્રિવેદીએ ‘માનવતા માટે યોગ' થીમ અને આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણી સાથે દેશભરમાં ૭૫ આયકોનીક સ્‍થળોએ સરકાર દ્વારા કરવામાં આવેલા વિશેષ આયોજન અંગે જાણકારી આપી હતી.
કાર્યક્રમમાં રાજયોગ યોગાચાર્ય હેમેન્‍દ્રસિંહ રાજપૂતનાં માર્ગદર્શન હેઠળ પ્રાર્થના, ધ્‍યાન, પ્રાણાયામ અને યોગાસનો સાથે સંપૂર્ણ યોગ અભ્‍યાસ કરવામાં આવ્‍યો. યોગાચાર્ય હેમેન્‍દ્રસિંહે ઉચિત માર્ગદર્શન સાથે યોગનાં વિવિધ આસનો કરવાની સાથે યોગથી થતાં લાભ અને જુદીજુદી બિમારીનાં નિવારણમાં ઉપયોગી થતાં યોગાસનો અંગે જાણકારી પૂરી પાડી હતી. યોગ અંગે લોકોને જાણકારી અને માર્ગદર્શન પ્રાપ્ત થાય તેમજ લોકોમાં યોગ પ્રત્‍યે રસ-રુચી વધે તેવા આશય સાથે આયોજીત આ વિશેષ કાર્યક્રમમાં યોગ સ્‍પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્‍યું. યોગ સ્‍પર્ધામાં ઉત્‍કૃષ્ઠ પ્રદર્શન કરી વિજેતા થનાર વિજેતાઓને કેન્‍દ્રીય સંચાર બ્‍યૂરો, અમદાવાદ દ્વારા ઇનામો આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યાં હતા.

 

(12:12 pm IST)