Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

સાબરકાંઠા જિલ્લાના ત્રણ ગામોમાં વાવાઝોડુ ત્રાટકતા આકોદરા-છાદરડા અને વિલાસપુર ગામોમાં આર્થિક નુકશાન

ડીઝીટલ વિલેજ આકોદરામાં વિજ પોલ ધરાશાયી થતા શેડના પતરા ઉડયા જેમાં ગાયનું પુછડુ અને ભેંસનો પગ કપાયો

હિંમતનગરઃ સાબરકાંઠા જીલ્લાના બે તાલુકાના ત્રણ ગામ આકોદરા, છાદરડા અને વિલાસપુરમાં સમી સાંજે વાવાઝોડુ પવન સાથે ત્રાટકતા સ્‍માર્ટ વિલેજ ગામ આકોદરામાં મોટા શેડના પતરા ઉડયા હતા અને પાંચથી વધુ વીજ પોલ ધરાશાયી થતા ગામમાં અંધારપટ થયો હતો. વિલાસપુર ગામમાં પતરા ઉડતા એક પશુનું મોત થયુ હતું. ભારે વાવાઝોડાને કારણે ગામ લોકોની હાલત કફોડી બની હતી.

સાબરકાંઠા જીલ્લાના બે તાલુકાના ત્રણ ગામમાં વાવાઝોડું ત્રાટકતા આર્થિક નુકશાન થવા પામ્યું હતું તો પતરા ઉડતા એક પશુનું મોત બે પશુને ઈજા થવા પામી હતી અને અંધારપટ છવાયો હતો. સાબરકાંઠા જીલ્લામાં અચાનક સાંજે વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં રાહત મળી હતી. તો બીજી તરફ બે હિમતનગર તાલુકાનું ડીજીટલ ગામ આકોદરા અને પ્રાંતિજ તાલુકાના બે છાદરડા અને વિલાસપુર ગામમાં વાવાઝોડું ત્રાટકતા આર્થિક નુકશાન થવા પામ્યું હતું. તો અંધારપટ છવાયો હતો.

સમી સાંજે વાવાઝોડું ત્રાટકતા ડીજીટલ વિલેજ આકોદરામાં ગામમાં પ્રવેશતા રસ્તામાં મોટો શેડ ઉડી રોડ પર પડતા રસ્તો બંધ થયો હતો. જુના ગામમાં ૧૦ થી વધુ પતરા ઉડ્યા હતા. તો રામદેવનગરમાં ઘરના પતરા અને સરસામાન પણ ઉડ્યો હતો. પાંચ થી વધુ વીજપોલ પડતા વીજળી ગુલ થઇ હતી. આ વાવાઝોડું આજુબાજુના ગામમાં પ્રસર્યું હતું. પ્રાંતિજ તાલુકાના છાદરડા ગામમાં પણ પહોચ્યું હતું અને ગામમાં અનેક ઘરના પતરા અને તબેલાના પતરા ઉડાડી દીધા હતા. સાથે વીજ પોલ પડી જતા વીજળી બંધ થઇ ગઈ હતી. તો ગામમાં પતરા ઉડીને વાગતા એક ગાયનું પુછડુ અને એક ભેસનો પગ કપાયો હતો.

જેને લઈને પશુપાલક મહિલા પણ રુદન કરી મુક્યું હતું તો સામે ગ્રામજનોએ તબીબોને બોલાવી ગંભીર ઈજાગ્રસ્ત પશુઓને સારવાર શરુ કરી હતી. તો વિલાસપુરા ગામમાં ઘર અને શેડના પતરા ઉડ્યા હતા અને ગામમાં વીજપોલ ધરાશાયી થતા અંધારપટ છવાયો હતો તો પતરું વાગતા એક પશુનું મોત નીપજ્યું હતું.આમ ભારે વાવાઝોડા ને કારણે નુકસાન થતા ગામ લોકો ની હાલત કફોડી બની છે.

(5:19 pm IST)