Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ગાંધીનગરના સે-13માં ગાર્ડનમાં પ્રવેશતા ત્રણ શખ્સોને અટકાવતા ઉશ્કેરાયેલ શખ્સોનો ગાર્ડ પર હુમલો

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેકટર-૧૩માં આવેલા બગીચામાં ગઇકાલે મોડી રાત્રે પ્રવેશવા જતા ત્રણ શખ્સોને ચોકીદારે અટકાવતા ઉશ્કેરાઇ જઇને આ ત્રણ શખ્સોએ હૂમલો કર્યો હતો વચ્ચે પડેલા તેના મિત્રને પણ માર માર્યો હતો. ત્રણેય શખ્સો ફરાર થઇ ગયા હતા જ્યારે ઘાયલ બન્ને વ્યક્તિઓને સારવાર માટે ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે સેક્ટર-૭ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, શહેરના સેક્ટર-૧૩માં આવેલા બગીચામાં સિક્યોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો જયેશભાઇ મહેન્દ્રભાઇ રાઠોડ ગઇકાલે બગીચાની લાઇટો બંધ કરીને બેઠાં હતા ત્યારે ત્રણ જેટલા યુવાનો ત્યાં આવ્યા હતા જેથી તેમણે આ શખ્સોને બગીચા બહાર જવા માટે કહ્યું હતું જેના પગલે આ શખ્સો ઉસ્કેરાઇ ગયા હતા અને જયેશભાઇને માર મારવા લાગ્યા હતા જે પૈકી એક વ્યક્તિએ માથામાં પથ્થર મારતા તેમને લોહી નિકળવા લાગ્યું હતું. બુમાબુમ કરતા તેમના મિત્ર સુરેશભાઇ શર્મા પણ ત્યાં આવી ગયા હતા જેથી આ શખ્સોએ તેમને પણ માર માર્યો હતો. જેથી પોલીસને ફોન કરતા આ શખ્સો ત્યાંથી નાશી છૂટયા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બન્નેને સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જેમની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને અજાણ્યા શખ્સોની શોધખોળ શરૃ કરી છે.

(6:18 pm IST)