Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

વડોદરાના સુરસાગર તળાવમાં બોટિંગ શરૂ કરાવવા કોર્પોરેશને ચોથી વખત ઓફર મંગાવી હોવાની માહિતી

વડોદરા: શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક સુરસાગર તળાવમાં બોટિંગ લોકભાગીદારીથી શરૂ કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનએ રસ ધરાવતી એજન્સીઓ પાસેથી સતત ચોથી વખત ઓફર મંગાવી છે.

કોર્પોરેશન દ્વારા આ ચોથો પ્રયાસ કરવામાં આવ્યો છે. એજન્સીએ બોટિંગનું સંચાલન અને મેઇન્ટેનન્સ  લોકભાગીદારીના ધોરણે કરવાનું રહેશે. રસ ધરાવતી એજન્સીને તારીખ 5 જુલાઈ સુધીમાં કોર્પોરેશનમાં દસ્તાવેજો પહોંચાડી દેવા જણાવ્યું છે. વડોદરામાં વર્ષો અગાઉ સુરસાગર તળાવમાં બોટિંગ સુવિધા હતી, પરંતુ હોડી દુર્ઘટના બાદ આ સુવિધા બંધ કરી દેવાઈ હતી. હવે ફરી કોર્પોરેશને સુરસાગર તળાવ બ્યુટીફિકેશન બાદ સુવિધા શરૂ કરવા નક્કી કર્યું છે. તળાવમાં વચ્ચે પાણી વાળા ભાગમાં બોટિંગ શરૂ થાય તે માટે કોર્પોરેશને અમદાવાદ કાકરીયાતળાવ બોટિંગની જે સુવિધા છે તે માટે જે નીતિ નિયમ છે તે અંગે ચર્ચા કરીને માર્ગદર્શન મેળવ્યું હતું. જેમાં સંચાલકને વીમો, સીસીટીવી, પ્લેટફોર્મ, ટિકિટ કાઉન્ટર વગેરેની વ્યવસ્થા કરીને મેન્ટેનન્સના ખર્ચ કરવાનો રહેશે. વળી, નક્કી કર્યા મુજબ લીઝનો પિરિયડ રહેશે. બોટિંગનું સોફ્ટવેર કોર્પોરેશનના આઇટી વિભાગ પાસે એપ્રુવ કરાવવાનું રહેશે. પેડલ બોટ અથવા મશીન બોટના ભાવ સમગ્ર સભા મંજૂર કરે તે રાખવાના રહેશે, અને કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી સંચાલકની રહેશે. આ બધા મુદ્દા સાથેની દરખાસ્ત અને બોટિંગ પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી સમગ્ર સભા એ અગાઉ આપી છે.

(6:19 pm IST)