Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

વડોદરા:ઇએસઆઈ હોસ્પિટલના કર્મચારીના ક્રેડિટકાર્ડમાંથી ભેજાબાજે રૂપિયા ઉપાડી લેતા પોલીસ ફરિયાદ

વડોદરા: ક્રેડિટકાર્ડમાંથી પ્રોટેક્શન પ્લાન કાઢવા માટે ભેજાબાજે ફોન કરી ઇએસઆઇ હોસ્પિટલના કર્મચારીના ક્રેડિટકાર્ડમાંથી બારોબાર રૃા.૯૧૩૦૫નું પેમેન્ટ ઓનલાઇન પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી ઠગાઇ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે વેમાલીમાં શુકન હાઇટ્સમાં રહેતા કિરીટ બાબુલાલ ચૌહાણ ગોત્રી ખાતે ઇએસઆઇની જનરલ હોસ્પિટલમાં નોકરી કરે છે. તા.૨ એપ્રિલના રોજ તેઓ ઘેર હતા ત્યારે અજાણ્યા મોબાઇલ નંબર પરથી એક હિંદીભાષી વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન કરનારે જણાવેલ કે હું એક્સિસ બેંકના ક્રેડિટકાર્ડ વિભાગમાંથી બોલું છું, તમારા નામે ઇસ્યૂ થયેલા કાર્ડમાં પ્રોટેક્શન પ્લાન એક્ટિવ છે જેનો તમને દર મહિને રૃા.૭૯૯ ચાર્જ લાગશે, જો આ ચાર્જ દૂર કરવો હોય તો હું કહું તેમ કરો, ઓનલાઇન પ્રક્રિયા કરી તે દૂર કરી દઇશ.

જેથી કિરીટભાઇએ હું હાલ એક પ્રસંગમાં છું સોમવારે બેંકમાં જઇને રૃબરૃ જઇને પ્રક્રિયા કરીશ તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો. બાદમાં અજાણ્યા નંબર પરથી ફરીથી ફોન આવતો હતો પરંતુ કિરીટભાઇએ ફોન ઉપાડયો ન હતો. થોડા સમય બાદ બેંક તરફથી ત્રણ એસએમએસ આવ્યા હતા જેમાં ક્રેડિટકાર્ડમાંથી રૃા.૯૧૩૦૫ પેટીએમ રેન્ટલ નોઇડા ઇન નામના ખાતામાં ટ્રાન્સફર થયા હોવાનો ઉલ્લેખ હતો. બાદમાં કિરીટભાઇએ બેંકમાંથી સ્ટેટમેન્ટ મેળવતા પૈસા ડેબિટ થયા હોવાનું જણાયું હતું. આ અંગે કિરીટભાઇએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(6:19 pm IST)