Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

અમદાવાદના બાપુનગરમાં ભણવામાં રસ ન હોવાની ચિઠ્ઠી લખી 11 સાયન્સનો વિદ્યાર્થી ઘરમાં 60 હજાર લઇ ગૂમ થઇ જતા ચિંતાનો માહોલ

અમદાવાદ: શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતો 15 વર્ષીય સગીર ચિઠ્ઠી લખી ઘરમાંથી રૂ. 60 હજાર લઈ ગુમ થયો છે. સગીરે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે મોમ એન્ડ ડેડ, મેરે સિમ્પલ ફોન મેં એક રેકોર્ડિંગ હૈ, વો સુન લેના. બાય...ટેક કેર યોર સેલ્ફ...તેનાં માતા-પિતાએ દીકરાનું રેકોર્ડિંગ સાંભળી લીધું છે. એમાં સગીરે કહ્યું હતું કે તેને ભણવામાં રસ નથી અને તે કંટાળી ગયો છે, તેથી ઘરેથી નીકળી ગયો છે.

ત્યાર બાદ સગીરના પિતાએ પોતાના દીકરાના મિત્રની પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે સવારે તેઓ ઘરેથી નીકળી દાબેલી અને વડાપાઉં ખાવા નીકળ્યા હતા. બાદમાં સાઇકલ પાર્ક કરી દિલ્હી જાઉં છું. રિક્ષામાં બેસી સગીર કાલુપુર રેલવે સ્ટેશન જવાનું કહીને નીકળી ગયો હતો. સમગ્ર બાબતને લઈને બાપુનગર પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરની શોધખોળ હાથ ધરી છે.

ગુમ થયેલા સગીરના પિતા એક પ્લાસ્ટિકના કારખાનામાં નોકરી કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. તેમનો 15 વર્ષનો પુત્ર ધોરણ-11 સાયન્સમાં બાપુનગરની એક સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેઓ નોકરીએ ગયા હતા અને ત્યાર બાદ તેમની પત્ની પણ નોકરીએ ગઇ હતી. ત્યારે તેમનો 15 વર્ષીય પુત્ર ઘરે એકલો હતો. બપોરે બંને પતિ-પત્ની જ્યારે ઘરે આવ્યાં ત્યારે ઘરના મુખ્ય દરવાજો લોક હતો. લોકની એક ચાવી તેમની પાસે તથા એક ચાવી તેમના પુત્ર પાસે રહેતી હતી, જેથી તેમને એવું લાગ્યું હતું કે તેમનો પુત્ર ટ્યૂશનમાં ગયો હશે અને આશરે પંદરેક મિનિટ બાદ તેમના દીકરાને ફોન કરતાં તેનો ફોન બંધ આવ્યો હતો.

(5:35 pm IST)