Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં દીપડાનો આતંક વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો

દાહોદ:જિલ્લાના ધાનપુર તાલુકાના લીમડી મહેન્દ્ર ગામમાં છેલ્લા એક માસથી દીપડાનો આંતક વધી જવા પામ્યો છે. જેના પગલે ગામ લોકોએ પોતાના પાલતુ પશુઓને જંગલમાં ચરાવવાનું છોડી દેતા દીપડો હવે ગામમાં પણ દિવસે આવવા લાગતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ધાનપુર તાલુકાના લીમડી મહેન્દ્ર ગામના એક મહિનાથી વન્યપ્રાણી દીપડા પોતાના પાલતુ પશુઓ બકરાઓનો ખાસ કરીને શિકાર કરતો હતો અને અત્યાર સુધીમાં 8 બકરાનો શિકાર કરી ચૂક્યો છે.

દીપડાના ભયના કારણે ગામલોકોએ હવે જંગલમાં બકરા ચરાવવાનું છોડી દીધું છે. ત્યારે દીપડો હવે ગામમાં આવવા લાગ્યો છે. રતનમહાલના જંગલના લગોલગ આવેલા ઘરમાં હવે દીપડો દિવસે પણ બકરાનો શિકાર કરીને જંગલ તરફ લઈ જતો હોય છે. ગામ લોકો દીપડાના ભયના કારણે હવે જંગલમાં જતા પણ નથી. એટલું નહીં પરંતુ થોડા દિવસ પહેલા ચંપકભાઈ ચૌહાણ નામનો યુવાન પોતાની મોટર સાયકલ લઈને સમી સાંજે જંગલની નજીક આવેલા પોતાના ઘરે જઈ રહ્યો હતો.

તે દરમિયાન અચાનક દીપડો આવી ચઢતા ધીમે ધીમે જતી બાઈક પાછળ બે પગ ઊંચા કરીને દીપડાએ બાઈકની પાછળ સીટ ઉપર ચડાવી દીધા હતા. દરમિયાન ચંપકભાઈએ ગભરાયા વિના પોતાની મોટર સાયકલ વધુ સ્પીડે હંકારતા દીપડો પાછળ રહી ગયો હતો અને ચંપકભાઈ હેમખેમ પોતાના ઘરે પહોંચી ગયા હતા. હવે લોકોએ જંગલ તરફ જવાનું બંધ કરતા દીપડો હવે ગમે ત્યારે ગામમાં આવી અને પાલતુ પશુ બકરાઓનો શિકાર કરી જતો હોય એટલું નહીં પરંતુ હવે જંગલ નજીકના વિસ્તારના રહેતા લોકોમાં મકાઈનાં ખેતરો હોય મકાઈ મોટી થતાં દિવસે પણ મકાઈના ખેતરમાં કામ કરવું મુશ્કેલ બન્યું છે.

(5:36 pm IST)