Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

સુરતમાં દેશી તમંચા બનાવાનુ કારખાનુ પકડાયુઃ એક ઝપાયો-એક ફરાર

સુરતઃ લોકડાઉન પૂરું થતાંની સાથે જ સુરતમાં ગુનાખોરી વધવા પામી છે જોકે નવા આવેલા પોલીસ કમિશનર અજય કુમાર તોમરના કડક વલણને કારણે સુસ્ત થયેલીમાં અચાનક તેજી આવી ગઈ છે, છેલ્લા 15 દિવસમાં અનેક ગુનેગારો જેલના હવાલે થયા છે, ત્યારે શહેર પોલીસની પીસીબી દ્વારા દેશી તમંચા બનાવવાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, તો એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.

સુરતમાં વધેલા ક્રાઇમ રેટને અટકાવવા નવા પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે કરેલા આદેશને લાગલે શહેરના અલગ અલગ પોલીસ મથકોના અધિકારીઓની સાથે જ અલગ અલગ શાખાની પોલીસે છેલ્લા 15 દિવસથી દોડધામ શરૂ કરી છે. દરરોજ ગુનેગારોને પકડવામાં આવી રહ્યા છે, ખાસ કરીને ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા ગુનેગારોને શોધી શોધીને જેલના હવાલે કરવામાં આવી રહ્યા છે. ત્યારે પ્રિવેંશન ઓફ ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મી સહદેવ વરવાભાઇ તથા યોગેશ કંસારાભાઇને બાતમી મળી હતી કે પાંડેસરાના અપેક્ષાનગર પ્લોટનં ર૧૫ માં રહેતો મનોજ લક્ષ્મીપ્રસાદ યાદવ પોતાના મકાનમાં ગેરકાયદેસર હાથ બનાવટનો તમંચો બનાવાનું કારખાનું ચલાવે છે, અને દેશી તમંચા વેંચે પણ છે, આ બાતમીને આધારે પીસીબીની ટીમે ઘટના સ્થળે રેડ કરતા આરોપી મનોજ લક્ષમીપ્રસાદ યાદવ મળી આવ્યો હતો. તેના ઘરની તપાસ કરતાં એક દેશી હાથ બનાવટનો તમંચો તથા એક જીવતુ કાર્ટીજ મળી આવી હતી, આ સાથે જ તમંચો બનાવવાના સાધનો પણ મળી આવ્યા હતાં. પોલીસે કુલ ૧૫૧૯૦નો મુદ્દામાલ કબજે કર્યા હતાં.

પોલીસે મનોજની પૂછપરછ કરતાં તેને જણાવ્યું હતું જે ઉત્તરપ્રદેશના જોનપુરનો રાજમણી વિશ્વકર્મા દેશી તમંચા બનાવવાના સાધનો આપી ગયો હતો. જોકે કડક પૂછપરછ છતાં મનોજે વધુ કોઈ ખુલાસો કર્યો ન હતો. પીસીબી દ્વારા મનોજની સામે પાંડેસરા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસનું કહેવું છે કે મનોજ ખૂબ રીઢો ગુનેગાર છે, અને હાલ કશું પણ નથી બોલી રહ્યો. અત્યાર સુધી કેટલા તમંચા બનાવ્યા અને કેટલા લોકોને તમંચા વેચ્યા છે વગેરે સવાલોના જવાબ પોલીસ શોધી રહી છે

(8:40 am IST)