Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ગુજરાતમાં હજી ૫ દિ' ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગની આગાહી : રાજસ્‍થાન પર સર્જાયેલા સર્ક્‍યુલેશનને લીધે વરસાદી વાદળો ઘેરાયા

ગાંધીનગર તા. ૨૪ : ગુજરાતમાં હજુ પણ અનેક વિસ્‍તારોમાં વરસાદ પડી શકે છે, હવામાન વિભાગે વરસાદને લઈને ફરી એકવાર આગાહી કરી છે, રાજસ્‍થાન પર સર્જાયેલા સર્ક્‍યુલેશનને લીધે ગુજરાતમાં વરસાદી વાદળો ઘેરાયા છે, જેને લઈ હવામાન વિભાગે રાજયમાં હજુ પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાથે રાજયના અનેક જિલ્લાઓ અને કેન્‍દ્ર શાસિત પ્રદેશ જેવા કે દીવ, દમણ, દાદરાનગર હવેલી જેવા સ્‍થળોએ હળવોથી ભારે વરસાદ થઈ શકે છે તો આ તરફ રાજયાના જિલ્લાઓ જેવા કે ભરુચ, બનાસકાંઠા, સાબરકાંઠા, અલવલ્લી મોડાસા સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે.ᅠ
હવામાન વિભાગે ૨૫ સપ્‍ટેમ્‍બર સુધી સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત સહિત જામનગર, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની શક્‍યતાઓ સેવી છે, તો સાથે જ આ તરફ પાટણ, અમદાવાદ અને ગાંધીનગર અને વડોદરામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્‍યતાઓ જોવા મળી રહી છે મહત્‍વનું છે કે સપ્‍ટેમ્‍બરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ નદી, નાળા, સરોવર અને ચેકડેમોમાં નવા નીર આવ્‍યા છે અને જળસપાટીમાં વધારો થતા સિંચાઈથી લઈને પીવાના પાણી જેવા પ્રશ્નોનું નિરાકરણ આવ્‍યું છે ત્‍યારે હજુ પણ સિઝનનો કેટલાક ટકા વરસાદ બાકી રહેતા તે પણ સપ્‍ટેમ્‍બરના અંત સુધીમાં પુરો થઈ શકે તેવું હવામાન વિભાગનું માનવું છે.ᅠ
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્ર સહિત આખા રાજયમાં સારો વરસાદ પડી રહ્યો છે. જોકે રાજયમાં હજુ પણ વરસાદની ઘટ છે ત્‍યારે આગામી સમયમાં હળવાથી મધ્‍યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ આ સપ્‍ટેમ્‍બર મહિનો પૂરો થાય ત્‍યાં સુધી રાજયભરમાં વરસાદી માહોલ રહેશે. ૨૫ સપ્‍ટેમ્‍બર બાદ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્‍યતા છે જયારે સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સાથે જ મધ્‍ય ગુજરાતમાં કેટલીક જગ્‍યાઓ પર ભારે વરસાદની આગાહી કરવામાં આવો છે.ᅠ
નોંધનીય છે વલસાડમાં ઉપરવાસમાં સારો વરસાદ પડવાના કારણે મધુબન ડેમની જળસપાટી ભયજનક સ્‍તર પર પહોંચી ગઈ છે. ડેમમાં ૧.૫૯ લાખ કયુસેક પાણીની આવક થતાં ડેમની હાલની સપાટી ૭૯.૪૫ મીટરે પહોંચી છે જે બાદ ૧૦ દરવાજા ૨ મીટર ખોલવામાં આવ્‍યા છે. ડેમના દરવાજા ખોલીને દમણગંગા નદીમાં ૧.૭૦ લાખ કયુસેક પાણી છોડવામાં આવતા નદી ગાંડીતૂર બની છે. લોકોને નદીકિનારાથી દૂર રહેવાના આદેશ આપવામાં આવ્‍યા છે.

 

(1:10 pm IST)