Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

દેશના પ્રથમ ઇન્ટરનેશનલ બુલિયન એકસચેન્જનો ગિફટ સિટીમાં ૧ ઓકટોબરે નરેન્દ્રભાઇના હસ્તે પ્રારંભ

અમદાવાદ IIMA દ્વારા પોલીસી બનાવાઇ : સોનાની કિંમત અને ગુણવત્તામાં પારદર્શિતા આવશે : ગ્રાહકોને સીધો લાભ : સોનાના ભાવમાં વિસંગતતા, જવેલરી ઉદ્યોગમાં પારદર્શિતાનો અભાવ અને સોનાની ગુણવત્ત્।ા સહિતના અનેક પ્રશ્નોનાં નિરાકરણ માટે કેન્દ્ર સરકારે નવી ગોલ્ડ પોલિસી તૈયાર કરી છે

ગાંધીનગર તા. ૨૪ : પાટનગર ગાંધીનગરમાં ગિફટી સિટીમાં ૧ ઓકટોબરથી ઇન્ટરનેશનલ બુલિયન એકસચેન્જ શરૂ થવા જઇ રહ્યું છે. આ એકસચેન્જને દેશમાં સોનાની આયાત માટેનો મોટો એન્ટ્રી ગેટ મનાઇ રહ્યો છે. દેશમાં સોનાનો ઉપયોગ સૌથી વધુ છે, તેથી આ એકસચેન્જને મોટું કદમ માનવમાં આવે આવે છે. આ એકસચેન્જ સોનાનો ભાવ આંતરરાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણે નકકી કરાશે.

સોનાના ભાવમાં વિસંગતતા, જવેલરી ઉદ્યોગમાં પારદર્શિતાનો અભાવ અને સોનાની ગુણવત્તા સહિતના અનેક પ્રશ્નોનાં નિરાકરણ માટે કેન્દ્ર સરકારે નવી ગોલ્ડ પોલિસી તૈયાર કરી છે. દેશમાં સોનાના ભાવ નક્કી કરવા માટે કોઈ ઠોસ પદ્ઘતિ છે નહીં. અને એટલે જ દરેક શહેરોમાં સોનાના ભાવમાં વિવિધતા જોવા મળે છે. આ સોનાના ભાવની અલગતા બુલિયન એકસચેન્જના પ્રારંભથી દુર થશે. જેનો સીધો લાભ ગ્રાહકોને મળશે. સાથે જ સોનાની કિંમત અને ગુણવત્તામાં પારદર્શિતા આવશે.

કેન્દ્ર સરકાર દેશનું પહેલું ગોલ્ડ એકસ્ચેન્જ બનાવવા જઇ રહી છે. અને, તેના માટેની પોલિસી IIM અમદાવાદમાં તૈયાર કરવામાં આવી છે.આ પોલિસીને લગતા તમામ સૂચનોની જવાબદારી સરકારે ઇન્ડિયન ગોલ્ડ પોલિસી સેન્ટર (IGPC)ને સોંપી દીધી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ (WGC) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA)ના સંયુકત ભાગીદારીથી IGPCની રચના કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય બુલિયન એકસચેન્જમાં ૫ ગ્રામથી એક કિલોગ્રામ સુધીના સોનાનું ટ્રેડિંગ થઇ શકશે. આ એકસચેન્જ પછી ગોલ્ડ સ્પોટ એકસચેન્જ પણ આવવાનું છે જેને સેબી રેગ્યુલેટ કરશે. ગોલ્ડ સ્પોટ એકસચેન્જ મારફતે તેનું ટ્રેડીંગ થશે. નોંધનીય છેકે ભારતીય ઘરોમાં ૨૨,૦૦૦ ટન સોનું નિષ્ક્રિય પડયું છે. વિશેષજ્ઞો કહે છે કે, ભારત વર્ષે ૮૦૦થી ૯૦૦ ટન સોનાનો વપરાશ કરે છે. ત્યારે આ એકસચેન્જનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ કરશે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઇન્ટરનેશનલ બુલિયન એકસચેન્જ સ્થાપનાની જાહેરાત કરી હતી. આ એકસચેન્જ સ્થાપવા અને સંચાલન કરવા માટે કેન્દ્રએ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન હોલ્ડીંગ(આઇઆઇબીએચ) નામની એક હોલ્ડીંગ કંપનીની સ્થાપના કરી છે. તેના માટે નેશનલ સ્ટોક એકસચેન્જ, મલ્ટી કોમોડિટી એકસચેન્જ, ઇન્ડિયા આઇએનએકસ, આઇએફએસસી, નેશનલ સિકયોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિઝ વચ્ચે MOU સાઇન કરાયા છે.

વિશ્વમાં ન્યૂયોર્ક, શિકાગો, લંડન, દુબઇ ગોલ્ડ એકસચેન્જ અને શાંઘાઇમાં સ્પોટ બુલિયન એકસચેન્જ છે. હવે નવું સ્પોટ એકસચેન્જ ગુજરાતના ગિફટ સિટીમાં બની રહ્યું છે.

ત્યારે ભારતમાં પ્રથમવાર આવું એકસચેન્જ લાઇવ થવાનું છે જે વૈશ્વિક બુલિયન વ્યાપારનો મોટો હિસ્સો આકર્ષે તેવી અપેક્ષા છે.

(2:49 pm IST)