Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

જાતે ડોકટર બનતા પહેલા સાવધાન! : આડ અસરના બનાવો વધ્યા

બી.જે.મેડિકલ કોલેજ અમદાવાદના ૨૦૧૧ થી અત્યાર સુધીના રિસર્ચમાં સામે આવ્યું ચોંકાવનારું તારણ : પગ-પેટનો દુઃખાવો, તાવ, એસીડીટી જેવી સામાન્ય દવા માટે લોકોમાં વધુ જ્યારે ડોકટરની દવાનો કોર્સ પૂરો ન કરનારને પણ આડ અસર થઈ

અમદાવાદ, તા.૨૪: જો તમે ડોકટરની સૂચના વગર દવા લઈ રહ્યા છો તો સાવધાન થઈ જવાની જરૂર છે. અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજ દ્વારા એક રિસર્ચ કરવામાં આવ્યું છે. આ રિસર્ચમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. રિસર્ચ ઙ્કમાણે દર્દીઓ સેલ્ફ ડોકટર બની રહ્યા હોવાથી દવાની આડઅસરના બનાવો વધી રહ્યા છે. આ મામલે બી. જે. મેડિકલ કોલેજ દ્વારા ૨૦૧૧થી અત્યારસુધી રિસર્ચ કરવામાં આવ્યું છે. જેમાં માલુમ પડ્યું છે કે, મોટાભાગની આડઅસર દવાની પ્રકૃતિને કારણે થતી હોય છે.-

કેટલાક દર્દીઓ ડોકટરની સૂચના વગર જ મેડિકલ સ્ટોરમાંથી દવા લઈ લેતા હોય છે. જેના કારણે તેની આડઅસર થતી હોય છે. પગનો દુઃખાવો, તાવની દવા, પેટનો દુઃખાવો, એસીડીટી જેવી સામાન્ય દવા માટે લોકોને વધુ આડઅસર જોવા મળતી હોય છે. કેટલાક લોકો ડોકટર તરફથી લખી આપવામાં આવેલો દવાનો કોર્સ પૂરો નથી કરતા. જેના પગલે પણ આડ અસર થાય છે.

આ મામલે બી. જે. મેડિકલ કોલેજના  પ્રોફેસર હેડ ડો. ચેતનાબેન દેસાઈએ જણાવ્યું કે, દવાની પ્રકૃતિના કારણે આડ અસર થતી હોય છે. રિચર્સમાં એવું પણ જાણવા મળ્યું છે કે સેલ્ફ ડોકટર બનવાના કારણે પણ દવાની આડ અસર થાય છે. કોઈ પણ દવા જાતે ન લેવી જોઈએ. ડોકટરની સલાહ બાદ દવા લેવી જોઈએ. કોઈ દવાની આડ અસર થાય તો તાત્કાલિક ડોકટરને બતાવવું જોઈએ. અમુક દવા પર વધારે અભ્યાસ કરવા જેવું લાગે તો અમે દર્દીઓ પાસે જઈને એનાલિસિસ કરીએ છીએ. નવી એન્ટી બાયોટિક દવાની અનેક આડ અસર છે. આ મામલે વારંવાર પરિણામ આવતા હોય છે, જેને સંશોધન પત્ર તરીકે પ્રસિદ્ધ કરીએ છીએ.

બી. જે. મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં ૯,૩૦૦ લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. કોઈ પણ આડઅસર થાય તો તેને જાણવામાં ખૂબ જ વાર લગતી હોય છે. આડઅસર થાય તો તુરંત જ ડોકટર પાસે જઈ દવા લેવી જોઈએ.

(2:53 pm IST)