Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ગાંધીનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો

ગાંધીનગર: ગાંધીનગર કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો ફેલાય નહીં તે માટે અગાઉ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને એન્ટી લારવા કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ વરસાદ પડતાં આ સમગ્ર કામગીરી ઉપર પાણી ફરી વળ્યું હતું જેને લઇને મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનિયા જેવી વાહકજન્ય બિમારીના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને ન્યુ ગાંધીનગર વિસ્તારમાં સમાવિષ્ટ ગામોમાં કેસ વધી રહ્યાં છે. આવી સ્થિતિમાં ગાંધીનગર કોર્પોરેશનના આરોગ્ય તંત્ર દ્વારા વાહકજન્ય રોગ અટકાયતી પગલાના ભાગરૃપે શહેર અને ગ્રામ્યમાં બે દિવસીય એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પાણીના ખાડા-ખાબોચીયામાં બળવેલા ઓઇલ અને બાયોલાર્વીસાઇડ દવાનો છંટકાવ કરવામાં આવ્યું છે. શહેરના ૨૧ સેક્ટરો અને ૧૪ ગામોને આ કામગીરી અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. ૮૪૩૬ વરસાદી પાણીના ભરાયેલા ખાડા-ખાબીચાયામાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નવ હજાર ઘરોમાં મેલેરિયા લક્ષી સર્વેલન્સ પણ કરવામાં આવ્યું છે. અહીં ૧૦૫૫૦ જેટલા પાણીના પાત્રોની ચકાસણી કરતાં તેમાંથી ૨૨૨ જગ્યાએથી મચ્છરોના પોરા મળી આવ્યા હતા. તેનો તાત્કાલિક નાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ સર્વેલન્સ દરમિયાન તાવના ૩૩૭ કેસ પણ મળી આવ્યા છે. જેમના લોહીના નમૂના લઇને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. સર્વેલન્સ દરમિયાન ૫૪ જેટલી બાંધકામ સાઇટ પણ તપાસવામાં આવી હતી. જેમાંથી બે જગ્યાએ પોરા મળતાં આ બાંધકામ સાઇટને નોટિસ ફટકારવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારે સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવશે અને મચ્છરો ઉત્પન્ન ન થાય તે માટેના પગલાં ભરાશે.

(5:52 pm IST)