Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : પલસાણામાં પાંચ ઇંચ ખાબકતા સર્વત્ર પાણી પાણી --બારડોલી અને ઓલપાડમાં સવા બે ઇંચ વરસાદ : શેરડીની રોપણી કરનારા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા

સુરત જિલ્લાના બારડોલી, કામરેજ,ઓલપાડ અને પલસાણા તાલુકામાં મેઘરાજા શુક્રવારના રોજ દિવસ દરમ્યાન મનમૂકીને વરસ્યો હતો. જેમાં પલસાણા તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેને લઈ જનજીવન પ્રભાવિત થયું હતું.મોડે મોડે શરૂ થયેલ ચોમાસુ સુરત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં જામી રહ્યું છે. પલસાણામાં શુક્રવારના રોજ સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 119 મી.મી વરસાદ નોંધાયો હતો જેને લઈ આંતરિક રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. ને.હા-48 ઉપર ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી અને વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. બારડોલીમાં 59 મી.મી એટ્લેકે બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ઓલપાડમાં પણ 53 મી.મી વરસાદ નોંધાયો હતો, કામરેજમાં 13 મી.મી વરસાદ નોંધાયો હતો જ્યારે અન્ય તાલુકામાં મેઘરાજાએ વિરામ લીધો હતો. ભારે વરસાદને લઈ પલસાણા તાલુકામાં જનજીવન પ્રભાવિત થયું છે. તો શેરડીની રોપણી કરનારા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે.

(8:39 pm IST)