Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

પરિવાર દીઠ નહીં વ્યક્તિ દીઠ મા કાર્ડ આપવામાં આવશે

આપકે દ્વારા આયુષ્માન મેગાડ્રાઈવનો પ્રારંભ : ૧૦૦ દિવસ ચાલનારી આ મેગા-ડ્રાઈવ હેઠળ ૮૦ લાખ પરિવારને એટલે કે અંદાજિત ૪ કરોડ લોકોને આવરી લેવાશે

અમદાવાદ, તા.૨૪ : પ્રધાનમંત્રી જન આરોગ્ય-આયુષ્માન (પીએમજેએવાય-એમએ) યોજનાને ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે. ચોથા વર્ષમાં પ્રવેશ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શહેરની સિવિલ હોસ્પિટલથી રાજ્યભરમાં 'આપ કે દ્વાર આયુષ્માન' મેગા ડ્રાઈવનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યમાં ૧૦૦ દિવસ ચાલનારી આ મેગા-ડ્રાઈવ હેઠળ ૮૦ લાખ પરિવારને એટલે કે અંદાજિત ૪ કરોડ લોકોને આવરી લેવાશે.

હવેથી ૪ લાખની આવક મર્યાદા ધરાવતા પરિવારને આ કાર્ડ કાઢી આપવામાં આવશે. અગાઉ પરિવાર દીઠ કાર્ડ આપવામાં આવતું હતું અને હવે વ્યક્તિ દીઠ આપવામાં આવશે.

આ ડ્રાઈવ હેઠળ નિયત માપદંડો ધરાવતા લાભાર્થીઓને જિલ્લા હોસ્પિટલ, સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સીએચસી સંલગ્ન ખાનગી હોસ્પિટલો, સીએસસી, કોડ સેન્ટર, યુટીઆઈ-આઈટીએસએલ,ઈગ્રામ પરથી પીએમજેએવાય-એમએ કાર્ડ કાઢી આપવામાં આવશે. સારવાર માટે દાખલ થયેલા દર્દીઓ માટે રિસ્પોન્સ ટાઈમ ઝડપી બને, દર્દીને તરત સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે આ પહેલ હાથ ધરી છે.

પીએમજેએવાય-એમએ યોજનાના લાભાર્થીઓના હિતાર્થે સરકારી હોસ્પિટલમાં ગ્રીન કોરિડોર વ્યવસ્થાપનનું પણ મંત્રીએ લોકાર્પણ કર્યું હતું. સરકારી હોસ્પિટલોમાં પીએમજેએવાય-એમએ કાર્ડ અંતર્ગત સ્વાસ્થ્ય સેવાઓ સરળતાથી મળી રહે તે માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

હોસ્પિટલના પ્રવેશદ્વાર, ઓપીડીમાં કિયોસ્ક હેલ્પ ડેસ્ક ફરજિયાતપણે કાર્યરત કરીને દર્દીઓને મૂંઝવતા પ્રશ્નોનું સ્થળ પર તરત જ નિરાકરણ આવે તેવા પ્રયાસ હાથ ધરાશે. દરેક સરકારી હોસ્પિટલમાં આ યોજનાના લાભાર્થીઓ માટે અલગ કેસબારી, અલગ રજિસ્ટ્રેશન સિસ્ટમ અપાશે.

લાભાર્થીઓના હોસ્પિટલમાં પ્રવેશથી સારવાર બાબતે પીએમજેએવાય-એમએ યોજનાને પ્રાથમિકતા અપાઈ, વધુ લાભાર્થીઓ આ કાર્ડનો ઉપયોગ કરી શકે તે માટે આરોગ્ય મિત્રની નિમણૂક કરાશે. આ કાર્ડ અંતર્ગત લાભાર્થીઓને હોસ્પિટલમાં ઉપલબ્ધ તમામ સેવાઓ, દવાની બારી અથવા લેબોરેટરી તથા અન્ય જગ્યાઓએ પણ તાત્કાલિક સેવા મળી રહે તેવી અલગ વ્યવસ્થા કરવામાં આવશે.

(9:08 pm IST)