Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ડાબી બાજુના ટ્રાફિકને અવરોધનારને ૫૦૦નો દંડ

ટ્રાફિક વિભાગનો એએમસી સાથે મળીને નિર્ણય+ : ભયજનક રીતે સ્પીડમાં જતા વાહન ચાલકોને મોટર વ્હીકલ એક્ટની કલમ ૨૭૯ હેઠળ ધરપકડ કરાશે

અમદાવાદ , તા.૨૪ : અમદાવાદમાં હવે ચાર રસ્તેથી ડાબી બાજૂ જતાં ટ્રાફિકને અડચણરૂપ બનતા વાહનચાલકોને ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બે અઠવાડિયા પહેલા અમદાવાદ ટ્રાફિક વિભાગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળી એવો નિર્ણય કર્યો હતો કે, ચાર રસ્તા પરના ડાબી બાજુના વળાંક પર સીધા અથવા તો જમણી બાજુ જતાં વાહનો ઉભા રહી શકશે નહીં. અત્યાર સુધી ડાબી બાજુ જતાં ટ્રાફિકને અવરોધ બનતા વાહનોને સીધા અથવા ડાબી બાજુ જ જવાની પોલીસ દ્વારા ફરજ પાડવામાં આવતી નથી. પરંતુ ગુરુવારે એવો નિર્ણય લેવાયો છે કે, ચાર રસ્તાથી ડાબી બાજુ જતા ટ્રાફિકને અવરોધ બનીને ઊભા રહેતા વાહન ચાલકો પાસેથી ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

એટલું જ નહીં, પરંતુ શહેરના રસ્તા પર ભયજનક રીતે સ્પીડમાં જતા વાહન ચાલકોને હવેથી મોટર વ્હીકલ એક્ટની કલમ ૨૭૯ હેઠળ ધરપકડ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જે વાહન ચાલક પોતાનું વાહન બીજાનું મોત નીપજે અથવા કોઈને ઈજા થાય તે રીતે ચલાવે તો તેને મોટર વ્હીકલ એક્ટની કલમ ૨૭૯ મુજબ આરોપી ગણવામાં આવે છે. જે વ્યક્તિ ભયજનક રીતે વાહન ચલાવવા કસૂરવાર નીકળે તેને ૬ મહિના સુધીની જેલ અથવા તો દંડ અને જેલ બંને થઈ શકે છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર મયંક ચાવડાના જણાવ્યા અનુસાર ચાર રસ્તેથી ડાબી બાજુ જતાં ટ્રાફિકને અડચણરૂપ થાય તેવા વાહનો હજી પણ ઉભા રહે છે. જેથી શુક્રવારથી આવા વાહન ચાલકોને ૫૦૦નો દંડ ફટકારવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ભયજનક રીતે વાહન ચલાવતા ચાલકોને પકડવા માટે અને ડાબી બાજુ જતાં ટ્રાફિકને અડચણરૂપ બનવા વાહનોને દંડવા માટે તેઓ દરેક ચાર રસ્તા પર વધારાના ટ્રાફિક જવાનો તૈનાત કરશે.

(9:09 pm IST)