Gujarati News

Gujarati News

News of Saturday, 23rd September 2023

સુરત પોલીસની ‘નો ડ્રગ્સ ઇન સિટી’ અભિયાન વેગવાન : રૂ. 4 કરોડની કિંમતનું ચરસ જપ્ત: 3 આરોપીની ધરપકડ

બે યુવકોએ આ ચરસના જથ્થાને બીચ પર નિર્જન જગ્યાએ દાટી દીધો અને પાછળથી અન્ય લોકો સાથે મળીને તેને વેચવા માટે લાવવા લાગ્યા હતા

સુરત પોલીસ શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ સામે ‘નો ડ્રગ્સ ઇન સિટી’ અભિયાન ચલાવી રહી છે. જે અંતર્ગત થોડાં સમય પહેલા હજીરાના દરિયા કિનારેથી જંગી માત્રામાં ચરસનો જથ્થો મળી આવ્યો હતો. બે યુવકોએ આ ચરસના જથ્થાને બીચ પર નિર્જન જગ્યાએ દાટી દીધો હતો અને પાછળથી તેઓ અન્ય લોકો સાથે મળીને તેને વેચવા માટે લાવવા લાગ્યા હતા. સુરતના પોલીસ કમિશનર અજય તોમરે પત્રકાર પરિષદને સંબોધતા આ ડ્રગ્સના વેપારનો પર્દાફાશ કર્યો હતો.

 સુરતના પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, SOG-PCBને ડ્રગ્સનું વેચાણ થતું હોવાની માહિતી મળી હતી. રાંદેરમાંથી જતીન ઉર્ફે જગુની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી 2 કિલોથી વધુ ચરસ મળી આવ્યું હતું. આ આરોપી હત્યા સહિત અન્ય બે ગુનામાં પકડાઈ ચૂક્યો છે. આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, હજીરાના નીલમનગરમાં રહેતા પિંકેશ અને અભિષેકે તેને આ ચરસનો જથ્થો આપ્યો હતો. ચરસના મોટા ભાગના પેકેટ હજીરામાં નિર્જન જગ્યાએ દાટી દેવામાં આવ્યા હતા અને માત્ર થોડા જ પેકેટ બહાર કાઢીને વેચાણ માટે લાવવામાં આવતા હતા.

પોલીસે જમીનમાં દાટીને છુપાવેલું ચરસ પણ મેળવી લીધું છે. ચરસના આ જથ્થાની કિંમત 4 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. ચરસની કિંમત પ્રતિ કિલો 50 લાખ રૂપિયા છે. આરોપીઓ માત્ર એક ગ્રામ, બે ગ્રામ ચરસ વેચતા હતા. અગાઉ સુરતના સુનવાલી બીચ પરથી પણ આવા ચરસના પેકેટ મળી આવ્યા હતા. આવી ઘટનાઓને લઈને શહેર પોલીસ સતત માછીમારો સાથે સંપર્કમાં છે. આ જ કારણે પોલીસને ચરસ સહિતના માદક પદાર્થો કબજે કરવામાં સફળતા મળી રહી છે.

(12:16 am IST)