Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને કેન્દ્રના માહિતી વિભાગ દ્વારા ઉજવણી

ભાવનાત્મક ઐકય દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણીઃ ડો. ધીરજ કાકડિયા

આઝાદીના લડવૈયાઓની અમર ગાથા જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસઃ રમેશ મેરજા

રાજકોટ, તા.૨૩: પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પાલનપુર ફિલ્ડ આઉટરીચ બ્યુરો દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઈન્ટિગ્રેટેડ કોમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' થીમ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી સ્વચ્છ ભારત અભિયાન વિષય પર ફોટો પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રમેશ મેરજાએ જણાવ્યું હતું કે, આપણો દેશ વિવિધતામાં એકતા ધરાવે છે. દેશના વિવિધ વિસ્તારના લોકો, તેમના રીતરીવાજો, ભાષા, ઉત્સવો, ઈતિહાસ અને વારસામાં રહેલી વિવિધતા નાગરીકો સુધી પહોંચે તે માટે અહીં ફોટો પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે. સાથે જ આઝાદી મેળવવામાં જેમનું અમૂલ્ય યોગદાન રહેલું છે તેવા સ્વાતંત્ર્ય સેનાનીઓની અમરગાથા જનજન સુધી પહોંચે તે માટેનો આ પ્રયાસ પ્રસંશનીય છે.

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો અને રિજનલ આઉટરીચ બ્યુરોના અપર મહાનિર્દેશક ડો. ધીરજ કાકડિયાએ જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનો હેતુ વિવિધતા ધરાવતા ભારત દેશના તમામ નાગરિકોમાં ભાવનાત્મક ઐકય સાધી રાષ્ટ્ર નિર્માણનો છે. મહાત્મા ગાંધી અને તેમના જેવા અનેક સ્વાતંત્ર્ય વીરોના આદર્શો અને હકારાત્મક પાસાનો આજના યુવાનોએ અભ્યાસ કરવો જોઈએ. તેમનામાં રહેલા લક્ષ્ય નિર્ધારણ અને તે દિશામાં સતત પરિશ્રમ જેવા ગુણોને આત્મસાત કરી કારકિર્દીથી લઈ દેશસેવા સહિતના ક્ષેત્રમાં યુવાનોએ આગળ વધવાનું છે.

વધુમાં અપર મહાનિદેશકે જણાવ્યું કે, યુવાનોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીમાંથી પ્રેરણા લઈને તમામ ક્ષેત્રોમાંથી નિરંતર નવું શીખતા રહી પોતાનું શ્રેષ્ઠ આપતા રહેવું જોઈએ. સ્વચ્છ ભારત અભિયાનને આપણે હજી એક કદમ આગળ લઈ જવાનું છે. જેમાં શહેરી વિસ્તારોની સ્વચ્છતા માટે રીડ્યુઝ, રીયુઝ અને રીસાયકલના મંત્ર સાથે પર્યાવરણની સુરક્ષા સુનિશ્વિત કરવાનું જણાવી અપર મહાનિદેશકે સીંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવા અપીલ કરી હતી.

હેમચંદ્રાચાર્ય ઉત્ત્।ર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર જે.જે.વોરાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે 'એક ભારત, શ્રેષ્ઠ ભારતલૃથીમ પર આઝાદીના ઈતિહાસની તવારીખ, ગુજરાત અને છત્તીસગઢ રાજય વચ્ચેના સ્થાપત્યો, પ્રવાસન સ્થળો, વાનગીઓ સહિતની બાબતોમાં સમાનતા, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના વ્યવસ્થાપન જેવી બાબતોને દર્શાવતું ફોટો પ્રદર્શન મહાનુભાવોના હસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં યુનિવર્સિટીના આર્કિટેકચર વિભાગના પ્રાધ્યાપક સુશ્રી કશિશ રાઠોડ દ્વારા ગુજરાત અને છત્ત્।ીસગઠ વચ્ચેના કલ્ચરલ કોલોબ્રેશન અંતર્ગત વિવિધ સમાનતાઓ અંગે પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. પાલનપુર ફિલ્ડ આઉટરીચ બ્યુરોના અધિકારી જે.ડી.ચૌધરીએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. સાથે જ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત યોજાયેલી પોસ્ટર પેઈન્ટિંગ સ્પર્ધા અને અહેવાલ લેખનના વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:09 am IST)