Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

અંકલેશ્વર: પોલીસ સ્ટેશનમાંથી જ ચોરીની ચોંકાવનારી ઘટના એલસીબીએ પકડેલું કેમિકલ ભરેલું ટેન્કર બે દિવસમાં ગાયબ!

મુદ્દામાલની જ ચોરી થતા પોલીસ બેડામાં ખળભળાટ :પોલીસે 11 લાખની કિંમતના ટેન્કર અને અંદર રહેલા પેટ્રોલિયમ પ્રવાહીની ચોરીનો ગુનો શહેર પોલીસ મથકે નોંધ્યો

અંકલેશ્વરમાં પોલીસ સ્ટેશનમાંથી જ ચોરી કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એલસીબી પોલીસે બે દિવસ પૂર્વે ખરોડ પાસેથી જ્વલનશીલ કેમિકલ સાથે ટેન્કર ઝડપી પાડ્યું હતું. જેને તાલુકા પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ તરીકે પાર્કિંગમાં રાખ્યું હતું. પરંતુ મુદ્દામાલની જ ચોરી થતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો હતો. પોલીસે 11 લાખની કિંમતના ટેન્કર અને અંદર રહેલા પેટ્રોલિયમ પ્રવાહીની ચોરીનો ગુનો શહેર પોલીસ મથકે નોંધ્યો હતો. પોલીસે જ્વલનશીલ કેમિકલનો વેપલો ચલાવતા માફિયાના કારસ્તાનની આશંકા વ્યક્ત કરી છે. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ગત રાત્રે તસ્કરો મુદ્દામાલ રૂપે પાર્ક કરેલું પેટ્રોલિયમ પ્રવાહી ભરેલું ટેન્કર ની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે.

ગત 18 મી ની રાત્રી ના ભરૂચ એલસીબી પોલીસે ખરોડ ચોકડી હોટેલ લેન્ડમાર્ક પાસે એક ટેન્કર માં શંકાસ્પદ ઓઇલ જથ્થો ભરેલો મળી આવ્યો હતો. ટેન્કર માં તપાસ કરતા કુલ 12000 લીટર શંકાસ્પદ પ્રવાહી સાથે 2 ઈસમ ને ઝડપી પાડ્યા હતા અને અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે 11 લાખ રૂપિયાનો મુદ્દામાલ સુપ્રત કર્યો હતો. જે પેટ્રોલિયમ કેમિકલ ભરેલું ટેન્કર તાલુકા પોલીસ મથક બહાર પાર્ક કરવામાં આવ્યું હતું. જે ટેન્કર ને ગત રાત્રીના 2 જેટલા અજાણ્યા ઈસમો ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જે બે અજાણ્યા ચોર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા હતા.

તાલુકા પોલીસ મથકના અધિકારીને સવારે જાણ થતા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 5 લાખનું ટેન્કર, 6 લાખ રૂપિયાની કિંમતનું પેટ્રોલિયમ કેમિકલ 12000 લીટર મળી કુલ 11 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરીનો ગુનો નોંધ્યો હતો.

(12:06 pm IST)