Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

એકતા અને અખંડિતતાના સંદેશ સાથે નિકળેલી BSF જવાનોની સાયકલ રેલીનું પાટણના સિદ્ધપુર ખાતે સ્વાગત : સિદ્ધપુર સર્કિટ હાઉસ પાસે રીફ્રેશમેન્ટ બાદ BSF જવાનોએ બિંદુ સરોવર ખાતે સેનાના વિર શહિદોના તર્પણના પ્રતિકરૂપે અંજલી અર્પણ કરી

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત જેસલમેરના રાયથનવાલાથી નિકળેલી સાયકલ યાત્રા ૭૨૩ કિ.મી. સફર બાદ કેવડિયા ખાતે પૂર્ણ થશે

પાટણ તા. ૨૩ ‘આઝાદી કા અમૃત’ મહોત્સવ અંતર્ગત બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા જેસલમેરના રાયથનવાલાથી કેવડીયા સુધી ૭૨૩ કિ.મી. લાંબી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના છાપીથી એકતા અને અખંડિતતાના સંદેશ સાથે નિકળેલી BSF જવાનોની સાયકલ રેલીનું સિદ્ધપુર સર્કિટ હાઉસ પાસે પી.આઈ.શ્રી ચિરાગ ગોસાઈ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે BSFની ૯૩ બટાલીયનના કમાન્ડન્ટશ્રી દલબીર સિંહ અહલાવતે સાયકલ રેલીના આયોજનની રૂપરેખા આપી જણાવ્યું કે, આ સાયકલ રેલી દરમ્યાન અમને જે સન્માન આપવામાં આવી રહ્યું છે તેનાથી એક વાત તો ચોક્કસ છે કે આજે પણ આપણો સમાજ રાષ્ટ્રીય એકતા માટે એકજુટ થયેલો છે.

સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પી.આઈ.શ્રી ચિરાગ ગોસાઈએ જણાવ્યું કે, એકતાની ભાવનાને ઉજાગર કરવા સંરક્ષણ દળો અને અર્ધ-લશ્કરી દળો દ્વારા યાત્રા યોજવામાં આવી રહી છે. આજે સિદ્ધપુર ખાતે પહોંચેલી આ યાત્રામાં જોડાયેલા જવાનોનું સન્માન કરવું અમારા માટે ગૌરવપૂર્ણ બાબત છે. જે દેશમાં સંરક્ષણ પ્રણાલી કથળી જાય છે તે દેશ ટકી શકતો નથી. દેશની અખંડિતતા માટે સૌથી જરૂરી બાબત સમાજના લોકોના સહયોગની છે, આપણે એક સાથે રહીશું તો આપણને કોઈ હરાવી શકશે નહીં. 

સર્કિટ હાઉસના પ્રાંગણમાં રિફ્રેશમેન્ટ બાદ BSF જવાનોની સાયકલ રેલી પુરાણ પ્રસિદ્ધ તર્પણ તિર્થ એવા બિંદુ સરોવર ખાતે આવી પહોંચી હતી. જ્યાં પૂજારીશ્રીએ BSF જવાનોને તર્પણ તિર્થના ઈતિહાસ અને મહત્વ અંગે માહિતગાર કર્યા હતા. સાથે જ કમાન્ડન્ટશ્રી દલબીર સિંહ અહલાવત, ડેપ્યુટી કમાન્ડન્ટશ્રી ઉપરાંત સાયકલ રેલીમાં ભાગ લેનાર જવાનોએ મંત્રોચ્ચાર સાથે સેનાના વિર શહિદોના તર્પણના પ્રતિકરૂપે અંજલી અર્પણ કરી હતી. બિંદુ સરોવરથી આ સાયકલ રેલીએ મહેસાણા જિલ્લાના ઉનાવા તરફ પ્રસ્થાન કર્યું હતુ.

આ પ્રસંગે ૯૩ બટાલીયના ડેપ્યુટી કમાન્ડન્ટશ્રી પંકજકુમાર અને અમિતકુમાર સિંઘ, આસીસ્ટન્ટ કમાન્ડન્ટશ્રી સંદીપ રાજપૂત અને પી.કે.ચૌધરી, આસીસ્ટન્ટ કમાન્ડન્ટ અને મેડિકલ ઑફિસરશ્રી ડૉ.ભરત પાલીવાલ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ સાયકલ રેલી તા.૨૬-૧૦-૨૦૨૧ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે પહોંચશે. 

(12:39 pm IST)