Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

સુરતમાં ધો-11ની વિદ્યાર્થિની ગર્ભવતી બનતા માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ

વિદ્યાર્થિનીની પ્રાથમિક તપાસ કરવામાં આવતા તેને છ માસનો ગર્ભ હોવાનું ધ્યાન પર આવ્યું

સુરત :શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતી ધોરણ 11 કોમર્સની એક વિદ્યાર્થિની ગર્ભવતી બની હોવાની વાત જાહેર થતા તેણીના મા બાપની હાલત કફોડી થઇ ગઇ છે. પેટમાં દુઃખાવાની ફરિયાદ સાથે જ્યારે આ વિદ્યાર્થિનીને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી ત્યારે તે ગર્ભવતી હોવાનું જાહેર થયું હતું.

પોલીસ પાસેથી મળતી પ્રાથમિક વિગતો અનુસાર પાંડેસરા વિસ્તારની જ એક શાળામાં ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની છેલ્લા કેટલાક દિવસથી તેની માતાને સતત પેટમાં દુઃખાવાની ફરિયાદ કરતી હતી. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. જ્યાં નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા આ વિદ્યાર્થિનીની પ્રાથમિક તપાસ કરવામાં આવતા તેને છ માસનો ગર્ભ હોવાનું ધ્યાન પર આવ્યું હતું. જેથી ડોક્ટરો દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. વિદ્યાર્થિનીને નવી સિવિલના ગાયનેક વિભાગના ડો.રાગીણી વર્માએ ચેક કરીને આ ગર્ભ કોનો છે તે અંગે પ્રાથમિક પુછપરછ કરી હતી પરંતુ તેણે પોતાને કઇ રીતે ગર્ભ રહી ગયો અને કોનાથી ગર્ભ રહ્યો છે તે કહેવા ઇન્કાર કર્યો હતો. જો કે, પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વાત બહાર આવી છે કે, આ વિદ્યાર્થિની પાંડેસરા વિસ્તારના જ એક મિલમાં કામ કરતા કારીગર સાથે પ્રેમમાં હતી અને તે સ્કૂલે આવતા જતા તેને મળતી હતી. વિદ્યાર્થિનીનો બાપ મારી નાંખવાનું જ કહે છે

વિદ્યાર્થિનીની માતાએ એવું જણાવ્યું હતું કે, તેઓ ઉત્તર પ્રદેશના મુળ વતની છે અને  વિદ્યાર્થિનીના બાપને આ વાતની ખબર પડતાની સાથે જ તે ગુસ્સે ભરાયા છે અને વિદ્યાર્થિનીને મારી નાંખવાની જ વાત કરી રહ્યા છે. વિદ્યાર્થિનીને ખરેખર તેના પ્રેમીથી જ ગર્ભ રહ્યો છે કે કેમ એ સિવાયના તમામ પાસાની પણ પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.

(7:18 pm IST)