Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ઉત્તર ગુજરાત માટેની “સુજલામ સુફલામ જળ અભિયાન”થકી ૩.૬૫ લાખ એકરથી વધુ વિસ્તાર લાભાન્વિત

સૌરાષ્ટ્રની ધરા માટેની “સૌની યોજના” થકી ૫૩ જળાશયો, ૮૬૩ ચેકડેમો અને ૧૩૧ તળાવો ભરાયા: આદિજાતિના ૧૪ જિલ્લા માટેની વનબંધુ કલ્યાણ યોજના દ્વારા ૧૪.૭૫ લાખ એકરથી વધુ વિસ્તારમાં સિંચાઈનો લાભ

અમદાવાદ :  ‘જળ છે તો જીવન‘ તેમ ‘ જળ છે તો જ ‘વિકાસ’ પણ છે.પાણી એ કોઈ પણ રાષ્ટ્ર-સમાજના સર્વાંગી વિકાસની પાયાની જરૂરિયાત છે. આ સત્ય ને જ કેન્દ્ર સ્થાને રાખીનેજ ગુજરાત સરકારે રાજ્યના તમામ ખૂણે ખૂણે સિંચાઈ અને પીવાનું પાણી પહોંચાડવા અનેકવિધ પાણી-સિંચાઈ યોજનાઓ અમલી- કાર્યાન્વિત કરી છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાત આજે કૃષિ-પશુપાલન,રોજગારી, ઉધોગો,વિદેશી રોકાણ તેમજ પ્રવાસન સહિતના ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રિમ રાજ્ય પ્રસ્થાપિત થયું છે.
ગુજરાત સરકારની દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિના પરિણામે “મા” નર્મદાના પાણી છેક ભારતની આંતરરાષ્ટ્રીય સીમા એટલે કચ્છના છેવાડા વિસ્તારોમાં પહોંચાડીને સાચ અર્થમાં “નેવાના પાણી મોભે ચડાવ્યા” ની ઉક્તિની સાચી ઠેરવી છે.
તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વાળી સરકાર ઉત્તર ગુજરાતના લોકો – ખેડૂતો માટે સુજલામ સુફલામ જળ અભિયાન,સૌરાષ્ટ્રની જનતાને નર્મદાનું સમુદ્રમાં વહી જતું વધારાનું પાણી સિંચાઈ અને પીવા માટે મળી રહે તે હેતુથી સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના – સૌની યોજના કાર્યરત કરીને ગુજરાતની સૂકી ધરાને લીલી- હરિયાળી બનાવી છે.
જેમાં ઉત્તર ગુજરાત માટેની “સુજલામ સુફલામ જળ અભિયાન” થકી ૩.૬૫ લાખ એકરથી વધુ  વિસ્તારને, સૌરાષ્ટ્રની ધરા માટેની “સૌની યોજના” થકી ૫૩ જળાશયો, ૮૬૩ ચેકડેમો અને ૧૩૧ તળાવો ભરાયા જ્યારે આદિજાતિના ૧૪ જિલ્લા માટેની વનબંધુ કલ્યાણ યોજના દ્વારા ૧૪.૭૫ લાખ એકરથી વધુ  વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈનો લાભ મળી રહ્યો છે.
સુજલામ સુફલામ જળ અભિયાન
પંચમહાલ જિલ્લામાં મહી નદી ઉપર આવેલા કડાણા બંધના વધારાના પૂરના પાણી ઉત્તર ગુજરાતના સૂકા વિસ્તારને નવપલ્લવિત કરવા માટે ગુજરાત સરકારે વર્ષ ૨૦૦૧માં સુજલામ સુફલામ યોજના અમલમાં મુકવાનો નિર્ણય કર્યો હતો. સુજલામ સુકલામ સ્પ્રેડીંગ નહેર, કડાણા જળાશયમાંથી ૧૧૮ મી. લેવલે જમણા કાંઠા ઉપર બનાવેલ એચ.આર.માંથી શરૂ થાય છે. જે રાજ્યના જુદાજુદા ૮ જિલ્લાઓમાંથી પસાર થાય છે.
આ યોજનામાં કડાણા જળાશયથી બનાસકાંઠા જિલ્લાના રાહ ગામ સુધીની ૩૩૨ કિ.મી. લંબાઇની સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેર અને નર્મદા મુખ્ય નહેર આધારીત ૧૪ ઉદવહન પાઇપલાઇન યોજનાઓનો સમાવેશ થાય છે. આ યોજના પાછળ અત્યાર સુધીમાં કુલ મળીને રૂ. ૬,૨૩૭ કરોડનો ખર્ચ થયો છે. ૧૪ ઉદવહન પાઇપલાઇન યોજનાઓ પૈકી ૧૨ ઉદવહન પાઇપલાઇન યોજનાઓની કામગીરી પૂર્ણ કરી કાર્યાન્વિત કરવામાં આવી છે. થરાદથી સીપુ પાઇપલાઇનનું કામ પ્રગતિ હેઠળ છે. જેનાથી બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા તાલુકાઓના ૩૯ ગામોના કુલ ૧૦૬ તળાવો જોડવામાં આવનાર છે. જેના થકી કુલ ૬,૦૦૦ હેકટર વિસ્તારને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે સિંચાઇનો લાભ થનાર છે અને કસરાથી દાંતીવાડા પાઇપલાઇનની કામગીરી પણ આયોજન હેઠળ છે. આ પાઇપલાઇનોથી અત્યાર સુધી રાજ્યના ૭ જળાશયો જેમાં, વાત્રક, માઝમ, મેશ્વો, હાથમતી, ગુહાઇ, ધરોઇ, દાંતીવાડાને જોડવામાં આવ્યા છે.
આ યોજના અંતર્ગત ગુજરાતના મહીસાગર, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા એમ કુલ ૮ જિલ્લાના ૩૨ તાલુકાના ૪૫૯ ગામોમાં સુજલામ સુફલામ નહેરથી ૩૭૪ અને પાઇપલાઇનથી ૭૦૯ તળાવ/ચેક્ડેમ જોડીને ભરવામાં આવેલ છે. જેનાથી અંદાજે ૩,૬૫,૭૫૯ એકર જમીનને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સિંચાઇનો લાભ મળે છે. આ ઉપરાંત યોજનાથી ૮ શહેરો અને ૬૬૧ ગામડાઓમાં પીવા તથા સિંચાઇ માટે પાણી આપવામાં
આવે છે.
વર્ષ ૨૦૦૪-૦૫થી અત્યાર સુધીમાં ઉદવહન પાઇપલાઇનો દ્વારા નર્મદા મુખ્ય નહેરમાંથી ૨,૩૮,૪૯૧ મીલીયન ઘન ફૂટ પાણી ઉપાડવામાં આવ્યું છે. કડાણા જળાશયમાંથી સુજલામ સુકલામ સ્પ્રેડીંગ નહેરમાં ૧,૨૦,૮૩૦ મીલીયન ઘન ફૂટ પાણી છોડવામાં આવ્યુ છે. આમ કુલ ૩,૫૯,૩૨૧ મીલીયન ઘન ફૂટ પાણીનો જથ્થો સુજલામ સુફલામ નહેર તથા તળાવો ભરવા માટે આપવામાં આવ્યો છે.
ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળ દર વર્ષે ૩ થી ૪ મીટર જેટલા નીચા જતા હતા. આ યોજનાના અમલ દ્વારા ભૂગર્ભ જળ સંચય થવાથી ભૂગર્ભ જળના સ્તર નીચા જતા અટકયા છે એટલું જ નહીં પણ ૪ થી ૫ મીટર જેટલા ઉંચા આવ્યા છે. જેના પરિણામે ખેડૂતોને સિંચાઇ માટે થતા વિજળીના ખર્ચમાં નોંધપાત્ર બચત થઈ રહી છે.
સૌની યોજના- સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન યોજના
સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સૌની યોજના અંતર્ગત નર્મદા ડેમનું પાણી નર્મદા મુખ્ય કેનાલ અને સૌરાષ્ટ્ર શાખા નહેર મારફતે કુલ ૧૩૭૧ કિ.મી. લંબાઇની ચાર લીન્ક દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારના વિવિધ ડેમો તેમજ સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાના ૧૧૫ જળાશયો સુધી પહોંચાડવાની કામગીરીના મીઠા ફળ-પરિણામો પાણી સ્વરૂપે નાગરિકો સુધી પહોંચી રહ્યાં છે.
સૌની યોજનાનો પહેલો તબક્કો (ફેઝ 1) સંપૂર્ણ રીતે પૂરો થઈ ચૂક્યો છે અને બીજો તબક્કો (ફેઝ 2) પૂર્ણતાના આરે છે, જ્યારે ત્રીજા તબક્કાના કામો કોવિડ-૧૯ની પરિસ્થિતિ હોવા છતાં ઝડપથી પૂર્ણતા તરફ આગળ વધી રહ્યો છે.
આ યોજનામાં સરદાર સરોવર ડેમથી ૬૩૦ કિ.મી. દૂર આવેલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેમો સુધી પાણી પહોંચાડવામાં આવનાર છે.  જેના માટે ૭૯૨ ફૂટ એટલે કે ૮૦ માળ ઉંચી ઇમારત જેટલું પાણીનું ઉદ્દવહન કરવામાં આવશે.
આ યોજનાની ફેઝ ૧અને ફેઝ-ર ની પૂર્ણ થયેલ કામગીરીના કારણે વર્ષ 2021 સુધીમાં ૫3 જળાશયો, ૮૬૩ ચેકડેમો અને ૧૩૧ તળાવોમાં ૪૦૦૦૦ મિલીયન ઘનફૂટ કરતાં વધુ પાણી આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત વર્ષ ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૦ના ચોમાસા અગાઉ પાણીની તીવ્ર તંગીમાં પણ રાજકોટ, જામનગર, મોરબી, વાંકાનેર, જેતપુર, ગોંડલ, બોટાદ, રાણપુર જેવા શહેરોને પીવાનું પૂરતું પાણી આપી શકાયું છે જેના પરિણામે આ શહેરોમાં પીવાના પાણીની સમસ્યાનું મહદ્દઅંશે નિરાકરણ થવા પામ્યું છે. ઉપરાંત આ વિસ્તારના તળાવો અને ચેકડેમોમાં પાણી ભરીને ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવાથી ભૂગર્ભ જળ રીચાર્જ થવાના કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણીના સ્તર ઉંચા આવ્યા છે.
આ યોજના પૂર્ણ થતા ૧૨૮૨ ગામો અને ૩૧ શહેરોના ૧૧૨ લાખ લોકોને પીવાનું પાણી આપી શકાશે. સૌની યોજના થકી હવે સૌરાષ્ટ્રની જળ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.

વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિવાસી વિસ્તારમાં સિંચાઇ-પીવાના પાણીની સુવિધા
આદિજાતિ કુટુંબો મોટેભાગે રાજ્યના પૂર્વ ભાગનાં ડુંગરાળ અને ખડકાળ વિસ્તારમાં છૂટા છવાયાં અને નાના સમૂહોમાં વસતા હોવાથી પરંપરાગત રીતે સિંચાઈની સવલતો પૂરી પાડવી મુશ્કેલ છે. આથી આદિજાતિ વિસ્તારમાં ખેતી માટે સિંચાઇની તકો ઉપલબ્ધ થાય એ માટે વિભાગે ચેકડેમ બાંધવા, તળાવો ઉંડા કરવા, ઉદવહન સિંચાઇ યોજનાઓ, હાઈ લેવલ કેનાલ વગેરે કામો મોટે પાયે કરવામાં આવ્યા છે.
રાજ્યમાં ઉમરગામથી અંબાજી સુધીના પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારના ૧૪  જિલ્લા જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ડાંગ, સુરત, તાપી, નવસારી, વલસાડના ૫3 તાલુકાના વિકાસ માટે એપ્રિલ-૨૦૦૭માં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી  અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી હતી.
આ યોજના અંતર્ગત નાના-મોટા ચેકડેમ, તળાવો ઉંડા કરવાની કામગીરી, ઉદવહન સિંચાઇ યોજના, જૂથ સિંચાઇ યોજના, વોટરશેડ આધારીત જળસંગ્રહ સ્થાનો, નહેર સુધારણા, પી.આઇ. એમ. અને મોટી ઉદવહન પાઇપલાઇન સિંચાઇ યોજનાઓ થકી અંદાજે ૧૪.૭૫ લાખ એકરથી વધુ વિસ્તારમાં સિંચાઈનો લાભ મળી રહ્યો છે.
આદિવાસી  વિસ્તાર મોટે ભાગે ઉંચા લેવલે તથા ડુંગરાળ વિસ્તાર હોઇ મોટા ભાગના  વિસ્તારમાં સિંચાઇ માટે હયાત સિંચાઇ યોજનાઓમાંથી વહનથી પાણી આપી શકાય તેમ નહોતું. આથી આવા દુર્ગમ અને વિષમ પરિસ્થિતિ ધરવાતા વિસ્તારમાં સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ  કરવા  માટે સરકાર દ્વારા રૂ.૫,૦૪૨ કરોડના ખર્ચે ૧૩ મોટી ઉદવહન સિંચાઇ યોજનાઓને મંજૂરી આપી છે જે પૈકી પાંચ યોજનાઓની કામગીરી પૂર્ણ કરી યોજનાઓ કાર્યાન્વિત કરી છે અને વિવિધ આઠ યોજનાઓમાં રૂ. ૨,૧૦૯ કરોડા કામો પૂર્ણ કર્યાં છે. જેમાં ૪ જિલ્લાના ૧૦ તાલુકાના ૪૪૮ ગામો અને ૮૧,૨૮૦ વિસ્તારને સિંચાઈનો લાભ મળી રહ્યો છે. જયારે વધુ ૮ સિંચાઈ યોજનાના રૂ. ૨,૯૩૩ કરોડના કામો પ્રગતિ હેઠળ છે જેના થકી ૭ જિલ્લાના ૨૩ તાલુકાના ૫૫૪ ગામો અને ૨.૬૭ લાખ એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.    
વનબંધું કલ્યાણ-૨માં અંદાજે રૂ. ૧૪,૨૦૦ કરોડના ખર્ચે અમલમાં આવનાર વિવિધ યોજનાઓ થકી અંદાજે ૧૦ લાખ એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.  
નલ સે જલ યોજના હેઠળ ગુજરાતમાં બોટાદ, આણંદ, મહેસાણા, ગાંધીનગર અને પોરબંદર જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૦૦ ટકા ઘરોને નળથી શુદ્ધ પાણી આપવાની સુવિધાથી આવરી લેવાયા છે.
નીતિ આયોગ તરફથી ઉત્કૃષ્ટ જળ વ્યવસ્થાપન માટે કોમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષ (CWMI) વર્ષ ૨૦૧૫-૧૬, ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ માટે ગુજરાતને પ્રથમ ક્રમ મળ્યો છે.
કેન્દ્ર સરકારના MoWR દ્વારા વર્ષ ૨૦૧૮માં જળસંચય અને સિંચાઇ વ્યવસ્થાપન માટે ગુજરાત સરકારને બીજા ક્રમે બેસ્ટ સ્ટેટ કેટેગરી એવોર્ડ મળ્યો છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇરીગેશન એન્ડ પાવર (CBIP)  દ્વારા વર્ષ ૨૦૧૭, ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૦માં વિભાગની જુદી જુદી યોજનાઓ માટે એવોર્ડ એનાયત કરાયા છે. આ ઉપરાંત સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૧૯ તથા અન્ય કામગીરી માટે ગુજરાત સરકારને સ્કોચ પ્લેટીનમ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે જે ગુજરાતની જળવ્યવસ્થાપનની શ્રેષ્ઠ કામગીરીને આભારી છે.

(8:02 pm IST)