Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

NRIની મિલ્કતોનું રખોપું કરનાર આધેડની હત્યામાં ત્રણ જબ્બે

આણંદ જિલ્લામાં આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો : તપાસ કરી રહેલ એસઆઈટીની ટીમે ગુનામાં વપરાયેલા બાઈક તેમજ ગણેશિયા સહિતની વસ્તુઓ કબજે કરી

આણંદ , તા.૨૩ : આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ભાદરણ ગામે એનઆરઆઈની મિલકતોનું રખોપું કરનાર આધેડની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે ચોરી-લૂંટના ઈરાદે હત્યા કરનાર દહેવાણ ગામની ટોળકીના પાંચ પૈકીના ત્રણ હત્યારોને તપાસ કરી રહેલ એસઆઈટીની ટીમે ગુનામાં વપરાયેલા બાઈક તેમજ ગણેશિયા સહિતની વસ્તુઓ કબજે કરીને ફરાર થયેલા આરોપીઓને પકડવા શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાદરણ ગામમાં એનઆરઆઈના ફાર્મ હાઉસનું રખોપા કરતા ૬૫ વર્ષીય રમતુભાઈ આશાભાઈ ભોઈ ૫ સપ્ટેમ્બરના રોજ સુવા ગયા હતા. જો કે, બીજા દિવસે પરત ઘરે ન આવતા પરિવાર તપાસ કરવા પહોંચ્યા તો તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા અને ફાર્મ હાઉસમાં સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. બનાવની જાણ થતાં ભાદરણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ આરંભી હતી.

પ્રાથમિક તપાસ દરમિયાન રમતુભાઈની લૂંટ માટે હત્યા કરવામાં આવી હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી પોલીસે ચોરી, લૂંટ ઉપરાંત મરનાર રમતુભાઈના સામાજિક, આર્થિક અને પારિવારિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કેટલાક શકદારોના નામ ખુલતા પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં એક શંકાસ્પદ વિક્રમ ડમચીને ઉઠાવીને પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોતે અન્ય સાગરિતો સાથે મળીને લોખંડનું ગણેશિયું લઈને ચોરી અને લૂંટ કરવાના ઈરાદે ભાદરણ ગામે એનઆરઆઈની ફાર્મ હાઉસમાં ત્રાટક્યા હતા અને ત્યાં રખોપું કરનાર રમતુભાઈએ તેમનો પ્રતિકાર કરતા પગ લૂંછણિયાથી મોઢું દબાવીને હત્યા કરી હતી અને બાદમાં ઘરમાં તાળા તોડીને હાથફેરો કર્યો હતો.

આધેડના હત્યા કેસમાં પોલીસે આરોપી વિક્રમ ડમચી, સંજય તળપદા અને જેણાભાઈ તળપદાને ઝડપી લીધા છે, જ્યારે અન્ય બે આરોપી ગોપાલ તળપદા અને ભુરાભાઈ તળપદાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું કે, ટોળકી આસપાસના વિસ્તારોમાં જાંબુડાની સીઝનમાં જાંબુડા વીણવા જઈને રેકી કરતા હતા. જેમાં ખાસ કરીને રોડ સાઈડ આવેલા મકાનો ટાર્ગેટ કરીને અનેક મકાનોમાં ચોરીઓ કર્યાની આરોપીઓએ કબૂલાત કરી હતી.

(9:25 pm IST)