Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

અમદાવાદ મનપાની મિલીભગતથી બિલ્ડરની દાદાગીરી : 2500 જેટલા પરિવારોની પાણી ગટરની લાઈનો અને વીજળી કાપી નાંખી

રામદેવપીર ટેકરા સ્લમ રી-ડેવલમેન્ટમાં સ્થાનિકો સંમતિ ન આપતા હોવાથી બિલ્ડરના અસમાજિક તત્વોએ પાણીની લાઈનો કાપી : બિલ્ડરે ઘરની બાજુમાં મોટા ખાડા કરી દેતા મકાનો ધરાશાયી થવાનું જોખમ

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને પોલીસના અધિકારીઓના આશિર્વાદથી બિલ્ડર દ્વારા વાડજ રામદેવપીર રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં સ્થાનિકો ઉપર રીતસર અત્યાચાર આચરવામાં આવી રહ્યાંના આક્ષેપ થઈ રહ્યાં છે. ગુંડા અને અસામાજિક તત્વો પોલીસ રક્ષણ સાથે મકાનો ખાલી કરવા માટે લોકોને ડરાવી રહ્યાંના ગંભીર આરોપ છે.

આ આરોપોને સમર્થન આપતી ગંભીર ઘટના શુક્રવારે સાંજના સમયે ઘટી હતી. AMCની મિલિભગતથી બિલ્ડર એચ.એન સફલ અને તેના મળતીયાએ ભેગા મળી ગઈકાલે દાદાગીરીપૂર્વક રામદેવપીર ટેકરાની ત્રીસ ઓરડી અને મારવાડીની ચાલી સહિત આસપાસના 2500 પરિવારોની પાણી અને ગટરની લાઈનો કાપી નાંખી હતી અને વિજળીની લાઈનો પણ કાપી દીધી હતી.

બિલ્ડરે 2500 ઘરની બાજુમાં મોટા ખાડા કરી દેતા મકાનો ધરાશાયી થવાનું જોખમ ઉભું થયું છે, કેટલાય પરિવારો જીવના જોખમે ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. રામદેવપીર ટેકરા સ્લમ રી-ડેવલમેન્ટમાં સ્થાનિકો સંમતિ ન આપતા હોવાથી બિલ્ડરના ગુંડા અને અસમાજિક તત્વો પાણીની લાઈનો કાપી નાંખતા અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને કરોડોનું નુકશાન થયું છે પણ બિલ્ડરના પ્રસાદથી ધરાયેલા મ્યુનિ. અધિકારીઓએ બિલ્ડરને આંગળી દેખાડવાની હિંમત કરતા નથી તો નોટિસ તો ક્યાંથી આપે ?

અમદાવાદ શહેરમાં કોઈ સોસાયટી રોડ ઉપર પાણી ઢોળે કે ખાળકુવાનું પાણી ઉલેચે તો અમદાવાદ મ્યુનિ.ના અધિકારીઓ 20 લાખનો દંડ કરે છે પણ રામદેવપીર ટેકરાની ત્રીસ ઓરડી ખાતે બિલ્ડર એચ. એન સફલ અને તેના ગુંડાઓએ રોડ તોડી નાખ્યો, ગટર અને પાણીની લાઈન કાપી નાખી, ખાડા કરી દીધા છે, લાખો લીટર ગટરનું પાણી ભરાઈ રહ્યું છે છતાં બિલ્ડર એચ.એન સફલને નોટિસ અપાતી નથી.

પોલીસ જોડે રહી મ્યુનિ.ની ગટર લાઈનો અને પાણીની લાઈનો તોડાવે છે. આ તમામ બાબતો જગજાહેર હોવા છતાં બિલ્ડરના રૂપિયે છોકરાઓને વિદેશ મોકલતા અને મસમોંઘી ગાડીઓ ખરીદતા મ્યુનિ.ના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ઉપર સ્થાનિકોને જરાય વિશ્વાસ રહ્યો નથી તેવી વ્યાપક લેખિત ફરિયાદો પણ કરવામાં આવી છે.

આ અંગે સ્થાનિક આગેવાન અને એડવોકેટ નરેશ પરમાર જણાવે છે કે, ” રામદેવપીર ટેકરાના ત્રીસ ઓરડીના મુખ્ય માર્ગ ઉપર આશરે ૧૫ ફુટ મોટા ખાડા કરી પબ્લીકને હેરાન-પરેશાન કરવા માટે જાણી જોઈને પાણીની લાઈન તોડી નાખવામાં આવી છે. આશરે ૧૫૦૦થી ૨૦૦૦ માણસો આજે રામાપીરના ટેકરા પર પાણી વગરના થયા છે. લાઈટોના મેન કૈબલો કાપી લોકોને અંધારપટમા રહેવા મજબુર કરેલ છે. આટલે થી ઓછુ પડતુ હોય તો વર્ષો જુનો રોડ પણ તોડી નાખી લોકોની અવર જવર બંધ કરેલ છે. ઈજનેર કે હાઉસીંગ વિભાગની પરમીશન વિના પાણીની લાઈન તોડેલ છે જેથી આખા પટ્ટોમા સ્થાનિકો ત્રાહીમામ પોકારી ગયા છે.

પોલીસમા ફરીયાદ કરવા જઈએ તો સ્થાનીકની કોઈ ફરીયાદ લેવાતી નથી. ઊલટું ફરિયાદીને આરોપી બનાવવામાં આવે છે. આ ઉભા મકાનો પડી જાય અને કોઈ માટી જાન હાની થશે તો જવાબદારી કોની ? એચ એન સફલ બિલ્ડરનો આટલો બધો પાવર ઈજનેર, હાઉસીંગ કોઈ કંઈ એકશન લે તેમ નથી પોલીસ વિભાગ મા પણ જાણ કરવા છતા હજુ સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી. આ તો લોકશાહી નહીં પણ તાનાશાહી છે. અમે ઉગ્ર આંદોલનની તૈયારીઓ કરી રહ્યાં છીએ.”

(11:14 pm IST)