Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને આદિજાતિ વિસ્તારોમાં સિંચાઈ - પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરતી રાજ્ય સરકાર

ઉત્તર ગુજરાત માટેની “સુજલામ સુફલામ જળ અભિયાન” થકી 3.65 લાખ એકરથી વધુ વિસ્તારને, સૌરાષ્ટ્રની ધરા માટેની “સૌની યોજના” થકી 53 જળાશયો, 863 ચેકડેમો અને 131 તળાવો ભરાયા આદિજાતિના 14 જિલ્લા માટેની વનબંધુ કલ્યાણ યોજના દ્વારા 14.75 લાખ એકરથી વધુ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈનો લાભ

ગાંધીનગર :  ઉત્તર ગુજરાત માટેની “સુજલામ સુફલામ જળ અભિયાન” થકી 3.65 લાખ એકરથી વધુ વિસ્તારને, સૌરાષ્ટ્રની ધરા માટેની “સૌની યોજના” થકી 53 જળાશયો, 863 ચેકડેમો અને 131 તળાવો ભરાયા છે. જ્યારે આદિજાતિના 14 જિલ્લા માટેની વનબંધુ કલ્યાણ યોજના દ્વારા 14.75 લાખ એકરથી વધુ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈનો લાભ મળી રહ્યો છે.

સુજલામ સુફલામ જળ અભિયાન પંચમહાલ જિલ્લામાં મહી નદી ઉપર આવેલા કડાણા બંધના વધારાના પૂરના પાણી ઉત્તર ગુજરાતના સૂકા વિસ્તારને નવપલ્લવિત કરવા માટે ગુજરાત સરકારે વર્ષ 2001માં સુજલામ સુફલામ યોજના અમલમાં મુકવાનો નિર્ણય કર્યો હતો. સુજલામ સુકલામ સ્પ્રેડીંગ નહેર, કડાણા જળાશયમાંથી 118મી. લેવલે જમણા કાંઠા ઉપર બનાવેલ એચ.આર.માંથી શરૂ થાય છે. જે રાજ્યના જુદાજુદા 8 જિલ્લાઓમાંથી પસાર થાય છે.

આ યોજનામાં કડાણા જળાશયથી બનાસકાંઠા જિલ્લાના રાહ ગામ સુધીની 332 કિ.મી. લંબાઇની સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેર અને નર્મદા મુખ્ય નહેર આધારીત 14 ઉદવહન પાઇપલાઇન યોજનાઓનો સમાવેશ થાય છે. આ યોજના પાછળ અત્યાર સુધીમાં કુલ મળીને રૂ. 6,237 કરોડનો ખર્ચ થયો છે. 14 ઉદવહન પાઇપલાઇન યોજનાઓ પૈકી 12 ઉદવહન પાઇપલાઇન યોજનાઓની કામગીરી પૂર્ણ કરી કાર્યાન્વિત કરવામાં આવી છે.

થરાદથી સીપુ પાઇપલાઇનનું કામ પ્રગતિ હેઠળ છે. જેનાથી બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા તાલુકાઓના 39 ગામોના કુલ 106 તળાવો જોડવામાં આવનાર છે. જેના થકી કુલ 6,000 હેકટર વિસ્તારને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે સિંચાઇનો લાભ થનાર છે અને કસરાથી દાંતીવાડા પાઇપલાઇનની કામગીરી પણ આયોજન હેઠળ છે. આ પાઇપલાઇનોથી અત્યાર સુધી રાજ્યના 7 જળાશયો જેમાં, વાત્રક, માઝમ, મેશ્વો, હાથમતી, ગુહાઇ, ધરોઇ, દાંતીવાડાને જોડવામાં આવ્યા છે.

આ યોજના અંતર્ગત ગુજરાતના મહીસાગર, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા એમ કુલ 8 જિલ્લાના 32 તાલુકાના 459 ગામોમાં સુજલામ સુફલામ નહેરથી 374 અને પાઇપલાઇનથી 709 તળાવ/ચેક્ડેમ જોડીને ભરવામાં આવેલ છે. જેનાથી અંદાજે 3, 65, 759એકર જમીનને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સિંચાઇનો લાભ મળે છે. આ ઉપરાંત યોજનાથી 8 શહેરો અને 661 ગામડાઓમાં પીવા તથા સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે.

વર્ષ 2004 – 06થી અત્યાર સુધીમાં ઉદવહન પાઇપલાઇનો દ્વારા નર્મદા મુખ્ય નહેરમાંથી 2, 38,.491 મીલીયન ઘન ફૂટ પાણી ઉપાડવામાં આવ્યું છે. કડાણા જળાશયમાંથી સુજલામ સુકલામ સ્પ્રેડીંગ નહેરમાં 1,20,830 મીલીયન ઘન ફૂટ પાણી છોડવામાં આવ્યુ છે. આમ કુલ 3,59,321 મીલીયન ઘન ફૂટ પાણીનો જથ્થો સુજલામ સુફલામ નહેર તથા તળાવો ભરવા માટે આપવામાં આવ્યો છે.

ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળ દર વર્ષે 3 થી 4 મીટર જેટલા નીચા જતા હતા. આ યોજનાના અમલ દ્વારા ભૂગર્ભ જળ સંચય થવાથી ભૂગર્ભ જળના સ્તર નીચા જતા અટકયા છે એટલું જ નહીં પણ 4 થી 5 મીટર જેટલા ઉંચા આવ્યા છે. જેના પરિણામે ખેડૂતોને સિંચાઇ માટે થતા વિજળીના ખર્ચમાં નોંધપાત્ર બચત થઈ રહી છે.

સૌની યોજના- સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન યોજના

સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સૌની યોજના અંતર્ગત નર્મદા ડેમનું પાણી નર્મદા મુખ્ય કેનાલ અને સૌરાષ્ટ્ર શાખા નહેર મારફતે કુલ 1371 કિ.મી. લંબાઇની ચાર લીન્ક દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારના વિવિધ ડેમો તેમજ સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 115 જળાશયો સુધી પહોંચાડવાની કામગીરીના મીઠા ફળ-પરિણામો પાણી સ્વરૂપે નાગરિકો સુધી પહોંચી રહ્યાં છે.

સૌની યોજનાનો પહેલો તબક્કો (ફેઝ 1) સંપૂર્ણ રીતે પૂરો થઈ ચૂક્યો છે અને બીજો તબક્કો (ફેઝ 2) પૂર્ણતાના આરે છે, જ્યારે ત્રીજા તબક્કાના કામો કોવિડ- 19ની પરિસ્થિતિ હોવા છતાં ઝડપથી પૂર્ણતા તરફ આગળ વધી રહ્યો છે.
આ યોજનામાં સરદાર સરોવર ડેમથી 630 કિ.મી. દૂર આવેલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેમો સુધી પાણી પહોંચાડવામાં આવનાર છે. જેના માટે 792 ફૂટ એટલે કે 80 માળ ઉંચી ઇમારત જેટલું પાણીનું ઉદ્દવહન કરવામાં આવશે.

આ યોજનાની ફેઝ 1અને ફેઝ-2ની પૂર્ણ થયેલ કામગીરીના કારણે વર્ષ 2021 સુધીમાં 53 જળાશયો, 863૮ ચેકડેમો અને 131 તળાવોમાં 40000 મિલીયન ઘનફૂટ કરતાં વધુ પાણી આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત વર્ષ 2018, 2019 અને 2021ના ચોમાસા અગાઉ પાણીની તીવ્ર તંગીમાં પણ રાજકોટ, જામનગર, મોરબી, વાંકાનેર, જેતપુર, ગોંડલ, બોટાદ, રાણપુર જેવા શહેરોને પીવાનું પૂરતું પાણી આપી શકાયું છે જેના પરિણામે આ શહેરોમાં પીવાના પાણીની સમસ્યાનું મહદ્દઅંશે નિરાકરણ થવા પામ્યું છે. ઉપરાંત આ વિસ્તારના તળાવો અને ચેકડેમોમાં પાણી ભરીને ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવાથી ભૂગર્ભ જળ રીચાર્જ થવાના કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણીના સ્તર ઉંચા આવ્યા છે.

આ યોજના પૂર્ણ થતા 1282 ગામો અને ૩૧ શહેરોના 112 લાખ લોકોને પીવાનું પાણી આપી શકાશે. સૌની યોજના થકી હવે સૌરાષ્ટ્રની જળ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.

વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિવાસી વિસ્તારમાં સિંચાઇ-પીવાના પાણીની સુવિધા
આદિજાતિ કુટુંબો મોટેભાગે રાજ્યના પૂર્વ ભાગનાં ડુંગરાળ અને ખડકાળ વિસ્તારમાં છૂટા છવાયાં અને નાના સમૂહોમાં વસતા હોવાથી પરંપરાગત રીતે સિંચાઈની સવલતો પૂરી પાડવી મુશ્કેલ છે. આથી આદિજાતિ વિસ્તારમાં ખેતી માટે સિંચાઇની તકો ઉપલબ્ધ થાય એ માટે વિભાગે ચેકડેમ બાંધવા, તળાવો ઉંડા કરવા, ઉદવહન સિંચાઇ યોજનાઓ, હાઈ લેવલ કેનાલ વગેરે કામો મોટે પાયે કરવામાં આવ્યા છે.

રાજ્યમાં ઉમરગામથી અંબાજી સુધીના પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારના 14૧૪ જિલ્લા જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ડાંગ, સુરત, તાપી, નવસારી, વલસાડના ૫3 તાલુકાના વિકાસ માટે એપ્રિલ-2007 માં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી હતી.

આ યોજના અંતર્ગત નાના-મોટા ચેકડેમ, તળાવો ઉંડા કરવાની કામગીરી, ઉદવહન સિંચાઇ યોજના, જૂથ સિંચાઇ યોજના, વોટરશેડ આધારીત જળસંગ્રહ સ્થાનો, નહેર સુધારણા, પી.આઇ. એમ. અને મોટી ઉદવહન પાઇપલાઇન સિંચાઇ યોજનાઓ થકી અંદાજે 14.75 લાખ એકરથી વધુ વિસ્તારમાં સિંચાઈનો લાભ મળી રહ્યો છે.

આદિવાસી વિસ્તાર મોટે ભાગે ઉંચા લેવલે તથા ડુંગરાળ વિસ્તાર હોઇ મોટા ભાગના વિસ્તારમાં સિંચાઇ માટે હયાત સિંચાઇ યોજનાઓમાંથી વહનથી પાણી આપી શકાય તેમ નહોતું. આથી આવા દુર્ગમ અને વિષમ પરિસ્થિતિ ધરવાતા વિસ્તારમાં સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ કરવા માટે સરકાર દ્વારા રૂ 5,042.કરોડના ખર્ચે ૧30 મોટી ઉદવહન સિંચાઇ યોજનાઓને મંજૂરી આપી છે જે પૈકી પાંચ યોજનાઓની કામગીરી પૂર્ણ કરી યોજનાઓ કાર્યાન્વિત કરી છે અને વિવિધ આઠ યોજનાઓમાં રૂ. 2,109 કરોડા કામો પૂર્ણ કર્યાં છે. જેમાં 4 જિલ્લાના 10 તાલુકાના 448 ગામો અને 81, 280 વિસ્તારને સિંચાઈનો લાભ મળી રહ્યો છે. જયારે વધુ 8 સિંચાઈ યોજનાના રૂ. 2, 933 કરોડના કામો પ્રગતિ હેઠળ છે જેના થકી 7 જિલ્લાના 23 તાલુકાના ૫૫૪ ગામો અને 2.67 લાખ એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.

વનબંધું કલ્યાણ-2માં અંદાજે રૂ. 14, 200 કરોડના ખર્ચે અમલમાં આવનાર વિવિધ યોજનાઓ થકી અંદાજે 10 લાખ એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.

નલ સે જલ યોજના હેઠળ ગુજરાતમાં બોટાદ, આણંદ, મહેસાણા, ગાંધીનગર અને પોરબંદર જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં 100 ટકા ઘરોને નળથી શુદ્ધ પાણી આપવાની સુવિધાથી આવરી લેવાયા છે. નીતિ આયોગ તરફથી ઉત્કૃષ્ટ જળ વ્યવસ્થાપન માટે કોમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષ (CWMI) વર્ષ 2015-16, 2016-17 અને 2017- 18 માટે ગુજરાતને પ્રથમ ક્રમ મળ્યો છે.

કેન્દ્ર સરકારના MoWR દ્વારા વર્ષ 2018માં જળસંચય અને સિંચાઇ વ્યવસ્થાપન માટે ગુજરાત સરકારને બીજા ક્રમે બેસ્ટ સ્ટેટ કેટેગરી એવોર્ડ મળ્યો છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇરીગેશન એન્ડ પાવર (CBIP) દ્વારા વર્ષ 2017, 2018, 2019 અને 2020માં વિભાગની જુદી જુદી યોજનાઓ માટે એવોર્ડ એનાયત કરાયા છે. આ ઉપરાંત સુજલામ સુફલામ જળ અભિયાન 2019 તથા અન્ય કામગીરી માટે ગુજરાત સરકારને સ્કોચ પ્લેટીનમ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે જે ગુજરાતની જળવ્યવસ્થાપનની શ્રેષ્ઠ કામગીરીને આભારી છે.

(11:31 pm IST)