Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

અમદાવાદ કોર્પોરેશનની પાર્કિંગ પોલિસીને રાજ્ય સરકારે આપી મંજૂરી : તબક્કાવાર અમલમાં મુકાશે

ટ્રાફિક જંકશન અને ઝેબ્રા ક્રોસિંગથી પાર્કિંગ સ્પેસ દૂર રાખશે :રહેણાંક વિસ્તારોના રસ્તાઓ પર પાર્કિંગ ઝોન નક્કી કરાશે: વાણિજ્ય સંસ્થાઓમાં પાર્કિંગમાં જગ્યા 60% કર્મચારી માટે : કોમન પાર્કિંગ પ્લોટમાં પાર્કિંગ માટે માસિક અને વાર્ષિક પરમીટ આ અપાશે : ટેક્સી અને ઓટોચાલકોને રોડ પર પાર્કિંગ કરવાની અનુમતિ નહી

અમદાવાદ કોર્પોરેશનની પાર્કિંગ પોલિસીને રાજ્ય સરકારે  મંજૂરી આપી દીધી છે. જેને અમદાવાદ કોર્પોરેશન હવે તબક્કાવાર રીતે અમલમાં મૂકશે. સપ્ટેમ્બરમાં AMC ની સ્ટેન્ડિંગ કમિટીએ ડ્રાફ્ટ પોલિસી મંજૂર કરી હતી. બાદમાં ડ્રાફ્ટ પોલિસી રાજ્ય સરકાર સમક્ષ મંજૂરી માટે મોકલી હતી. 16 ઓક્ટોબરના રોજ રાજ્ય સરકારે ડ્રાફ્ટ પોલિસીને મંજૂરી આપી દીધી છે. હવે ફેજ મુજબ એએમસી પાર્કિંગ પોલિસીનો અમલ કરશે. પાર્કિંગ પોલિસીનો અમલ કરતા પહેલા એએમસી અવેરનેસ ડ્રાઇવ પણ કરશે. ત્યારે કોમન પાર્કિંગ પ્લોટમાં પાર્કિંગ માટે માસિક અને વાર્ષિક પરમીટ આપવામાં આવશે.

 અમદાવાદ મહાનગર પાલિકાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવેલી પાર્કિંગ પોલિસીને મહદઅંશે અપનાવીને પોતાની પાર્કિંગ પોલિસી બનાવી છે. જાહેર સ્થળો, મોલ, જાહેર રસ્તાઓ અને રહેણાંક આસપાસના પાર્કિંગ મુદ્દે આ પોલિસીમાં ઘણી બાબતો આવરી લેવામાં આવી છે. ફ્રી પાર્કિંગ અને પેઈડ પાર્કિંગના મુદ્દાઓ પણ આવરી લેવાયા છે. જાહેર રસ્તા પર 12 મીટર કે તેથી વધુ પહોળાઈના રોડ પર રસ્તાની એક બાજુ પાર્કિંગ સ્પેસ એલોકેટ કરવાની વિચારણા કોર્પોરેશનની હતી. ઉપરાંત નજીકના વિસ્તારની પાર્કિંગ સ્પેસની માહિતી મળી રહે અને પાર્કિંગ માટેનું એડવાન્સ પેમેન્ટ કરી શકાય એવી એપ કે ટેક્નોલોજી અમલમાં લાવવાની વિચારણા પણ કોર્પોરેશને કરી હતી.

 

આ પોલિસીમાં દિવ્યાંગો અને સિનિયર સિટીઝન્સ માટે 10 ટકા પાર્કિંગ સ્પેસ ખાલી રાખવાની પણ વિચારણા છે. ટ્રાફિક જંકશન અને ઝેબ્રા ક્રોસિંગથી પાર્કિંગ સ્પેસ દૂર રાખવામાં આવશે. ઉપરાંત સ્થાનિક વિસ્તારોમાં ખાલી રહેતા પાર્કિંગ સ્પેસ માટે શેરિંગ વાળા પાર્કિંગ ઉભા કરવાની વાત કરવામાં આવી છે. પાર્કિંગ સ્પેસ માટે વાર્ષિક પરમીટ ઈશ્યુ થશે. ટુ વહીલર માટે વિસ્તાર પ્રમાણે પ્રતિ કલાક 10 થી 15 રૂપિયાનો ચાર્જ વસૂલવા અને ફોર વહીલર માટે 20થી 25 રૂપિયા ચાર્જ વસૂલવાની પણ વિચારણા હતી પાર્કિંગ ચાર્જથી ભેગી થયેલી રકમ રસ્તાના રિસરફેસિંગ અને પેચ વર્ક માટે ઉપયોગમાં લેવાના અહેવાલ સામે આવ્યા હતા. અને ટ્રાફિક વિભાગના સંકલનમાં ટોઇંગ માટેની એસ.ઓ.પી. બનાવવા પણ વિચારણા કરવામાં આવી છે.

2017માં કેન્દ્ર અને રાજય સરકારે નવા નિયમોને લાગુ કરવાની ઘોષણા કરી હતી. જે અનુસંધાને નવા વાહન ખરીદતા માલિકોએ તેમની પાસે પાર્કિંગ સ્પેસ હોવાનું પ્રમાણ આપવું અનિવાર્ય કર્યું છે. નવી પાર્કિંગ પોલિસીમાં એએમસીએ હવે એ મુદ્દો પણ આવરી લીધો છે.

(6:32 pm IST)