Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

સુરત : યુવતીએ ઈન્જેક્શનનો ઓવરડોઝ લઈને મોત મેળવ્યું

આત્મહત્યાનો હચમચાવી દેતો કિસ્સો : તબીબ દીકરીનો મૃતદેહ જોઈને પરિવારના હૈયાફાટ રુદને આખી હોસ્પિટલનો માહોલ ગમગીન બનાવ્યો હતો

સુરત , તા.૨૪ : સુરતમાં ફરી એકવાર આત્મહત્યાનો હચમચાવી દેતો કિસ્સો બન્યો છે. સ્મીમેર હોસ્પિટલની મહિલા રેસિડન્ટ તબીબે ઈન્જેક્શનનો ઓવરડોઝ લઈને મોત વ્હાલુ કર્યુ છે. દીકરીનો મૃતદેહ જોઈને પરિવારના હૈયાફાટ રુદને આખી હોસ્પિટલનો માહોલ ગમગીન બનાવ્યો હતો. જોકે, હજી સુધી મહિલા તબીબના આત્મહત્યાનું કારણ સામે આવ્યુ નથી.

મૂળ મહુવાના કરચેલીયા ગામની ડો.જિગીશા કનુભાઈ પટેલ (૨૬ વર્ષીય) સ્મીમેર હોસ્પિટલના ગાયનેક વિભાગમાં પ્રથમ વર્ષ રેસિડન્ટ તબીબ તરીકે કાર્યરત હતી. તે સ્મીમેર હોસ્પિટલમાં તેને ફાળવેલા ક્વાર્ટર કે બ્લોકમાં રહેતી હતી. ગઈકાલે સાંજે છેલ્લા તેણે તેણી માતા સાથે વાત કરી હતી. તેના બાદથી તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. જેથી આજે તેની માતા હોસ્પિટલના ક્વાર્ટરમાં પહોંચી હતી, જ્યાં દરવાજો ખોલતા જ જીગીશાનો મૃતદેહ મળી આવ્યો હતો.

દીકરીને ઢળેલી જોઈને તેની માતા ચોંકી ગઈ હતી. જેથી તેમણે બૂમાબૂમ કરી હતી. અન્ય તબીબોએ તપાસ કરતા જિગીશા મૃત હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, તેણે હાથ પર ઈન્જેક્શનના ઓવરડોઝ લઈને આત્મહત્યાનુ પગલુ ભર્યુ હતું. જોકે, જિગીશાએ કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી જાણવા મળ્યુ નથી.

કનુભાઈ પટેલને સંતાનમાં બે દીકરીઓ હતી. જેમાં જિગીશા સ્મીમેર હોસ્પિટલના ગાયનેક વિભાગમાં પ્રથમ વર્ષ રેસિડન્ટ તબીબ તરીકે કાર્યરત હતી. તો બીજી બહેન ઈન્ટર્નશિપ કરતી હતી.

જોકે, જિગીશાએ કયા કારણોસર આ પગલુ ભર્યુ તે હજી જાણવા મળ્યુ નથી. તેણે પરિવારને કોઈ તકલીફ હોવાની માહિતી પણ આપી ન હતી. તેથી પરિવાર પણ તેના આપઘાતથી શોકમાં આવી ગયો છે.

(7:17 pm IST)