Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

ગુજરાતના કેટલાક ભાગોમાં હળવું માવઠું થવાની શક્યતા

માવઠાને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી : અઠવાડિયાના અંતિમ દિવસોથી આગામી ૩ દિવસ સુધી ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન ઘટશે

અમદાવાદ, તા.૨૪ : વિધિવત ઠંડીનો પ્રારંભ થઈ ગયો છે. હવે વાતાવરણમાં ઠંડી અનુભવવા લાગી છે. જોકે, હજી સુધી ગુજરાતમાંથી ચોમાસું ગયુ નથી.

ઠંડી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, આજથી બેસતા વર્ષની શરૂઆત સુધીમાં અને તે પછી ગુજરાતના કેટલાક ભાગોમાં હળવું માવઠું થવાની સંભાવના છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, અઠવાડિયાના અંતિમ દિવસોથી આગામી ૩ દિવસ સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન ઘટશે. આગામી ૩ દિવસ બાદ રાત્રિનું તાપમાનમાં ઘટાડો થશે. ત્યાર બાદ ધીરે ધીરે દિવસ અને રાત્રિના તાપમાનમાં ઘટાડો નોંધાશે. ૨૭ ઓક્ટોબર પછી ગુજરાતમાં ઠંડીની અસર શરૂ થશે. ૨૭ ઓક્ટોબર બાદ દિવસ અને રાત્રિ દરમિયાન ઠંડી લાગવાની શરૂઆત થશે.

ગુજરાત અને દેશના અનેક ભાગોમાંથી ચોમાસાની વિદાય લગભગ થઈ ગઈ છે. ત્યારે દેશના ઉત્તરી પહાડી અને મેદાની વિસ્તારોમાં પણ ચોમાસાની ઔપચારિક વિદાય થઈ ગઈ છે. ત્યારે આ સાથે ઠંડીની મોસમ પણ શરૂ થઈ ગઈ છે. ચોમાસાની વિદાય થતા જ આકાશમાંથી વાદળો છૂમંતર થઈ ગયા છે. તેનાથી દિવસે તડકો છતાં વાતાવરણમાં ભેજ અનુભવાય છે. પરંતુ રાત્રે તાપમાનમાં ઘટાડો આવે છે. શરદીની મોસમ શરૂ થતા જ તેના સંકેતો પણ દેખાઈ રહ્યાં છે.

(7:08 pm IST)