Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

હેરસ્ટાઈલ યોગ્ય ન હોવાનું કહી સ્કૂલે વિદ્યાર્થીને કાઢી મૂક્યો

સ્કૂલે વિદ્યાર્થીને પરીક્ષામાંથી કાઢી મૂક્યો : સ્કૂલે બચાવમાં કહ્યું, અગાઉ વિદ્યાર્થીને સૂચના આપી હતી

અમદાવાદ, તા.૨૪ : આજકાલ અલગ-અલગ પ્રકારની હેરસ્ટાઈલની ફેશન છે. સેલિબ્રિટીઝ ફંકી કે ટ્રેન્ડમાં હોય તેવી હેરસ્ટાઈલ કરાવતાં હોય છે. ત્યારે પોતાના મનગમતા સેલિબ્રિટીને જોઈને બાળકો કે યુવાનો પણ તેમનું અનુસરણ કરે છે.

જોકે, એક વિદ્યાર્થીને આવી ફંકી હેરસ્ટાઈલ રાખવાનું ભારે પડ્યું છે. ગોતાની એક સ્કૂલમાં શનિવારે વાલીએ કરેલી ફરિયાદના કારણે ઉહાપોહ મચ્યો હતો. વાલીએ દાવો કર્યો હતો કે, તેમના દીકરાને હાલ ચાલી રહેલી પરીક્ષામાં બેસવા ન દેવામાં આવ્યો કારણકે તેની હેરસ્ટાઈલ અયોગ્ય હતી. સ્કૂલ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા એક પદાધિકારીનો દાવો છે કે, વાલી દ્વારા મૂકવામાં આવેલા આરોપ ખોટા છે. પદાધિકારીનું કહેવું છે કે, વાળ વ્યવસ્થિત કાપેલા હોવા જોઈએ નહીં તો સ્કૂલમાં બેસવા દેવામાં નહીં આવે, તેવી આગોતરી જાણ વિદ્યાર્થીને કરી દેવામાં આવી હતી. આમ છતાં વિદ્યાર્થીએ સૂચનાનું પાલન નહોતું કર્યું, જેથી તેને સ્કૂલના પ્રાંગણમાં પ્રવેશ નહોતો અપાયો, તેમ પદાધિકારીએ ઉમેર્યું.

દરમિયાન, આ વિદ્યાર્થીના વાલીનું કહેવું છે કે, સ્કૂલનું વલણ પક્ષપાતથી ભરેલું છે. સૂત્રોનું માનીએ તો, અગાઉ આ વિદ્યાર્થીની પાછલી ફી બાકી હોવાથી પણ તેને સ્કૂલમાંથી કાઢી મૂકાયો હતો. વિદ્યાર્થીના વાલીએ પોતાનો પક્ષ મૂકતાં કહ્યું, *મારા દીકરાને ઓછામાં ઓછું પરીક્ષામાં બેસવાની પરવાનગી તો આપવા જેવી હતી. સાવ આવી નાની બાબતે સ્કૂલે તેને પરીક્ષામાંથી કાઢી મૂકીને ખોટું કર્યું છે. ક્લાસમાં બીજા પણ એવા વિદ્યાર્થીઓ હતા જેમની હેરસ્ટાઈલ મારા દીકરા જેવી હતી પણ તેમને પરીક્ષામાં બેસવા દેવાયા હતા. આ પક્ષપાત નથી તો બીજું શું છે.

 

 

ભાજપે ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની માંગ કરી

જેડીયુએ પણ સૂરમાં સૂર રેલાવ્યા : જો આતંક સામે લડવું હશે તો ભારતને પહેલા હિન્દુ રાષ્ટ જાહેર કરવું પડશે : ભાજપ ધારાસભ્ય હરિભૂષણ ઠાકુર

પટના, તા.૨૪ : કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓ દ્વારા બિહારના રહેવાસીઓની હત્યાના વઘતા જતા કેસે બિહારના રાજકારણમાં વેગ પકડ્યો છે. આ ઘટનાઓને લઈ ભાજપના નેતાઓ ખૂબ ગુસ્સે ભરાયા છે. ભાજપના ધારાસભ્યએ આતંકવાદીઓને નાબૂદ કરવાની માંગ સાથે ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની માંગ કરી છે.

ભાજપના સહયોગી જનતા દળ યુનાઇટેડે પણ સૂરમાં સૂર પુરાવ્યા છે, જેના કારણે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. ભાજપના ધારાસભ્ય હરિ ભૂષણ ઠાકુર વાચોલે કહ્યું છે કે, જો આતંક સામે લડવું હોય તો ભારતને પહેલા હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું પડશે.

તેમણે ભારતને માત્ર હિન્દુ રાષ્ટ્ર જ નહીં પરંતુ અહીં રહેતા લઘુમતીઓ માટે પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવો કાયદો જાહેર કરવાની માંગ કરી છે. તેઓ માંગ કરે છે કે, જે રીતે બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં હિન્દુઓ લઘુમતીમાં છે, અને તેમના માટે જેવા કાયદા બનાવ્યા છે તેવા જ કાયદા ભારતમાં રહેતા મુસ્લિમો માટે બનાવવો જોઈએ.

 મુખ્યમંત્રી નીતિશ કુમાર ભલે ભાજપની આ માગણીનું ખુલ્લેઆમ સમર્થન ન કરે, પરંતુ તેમના પક્ષના ધારાસભ્યો ભાજપના સૂરમાં સૂર મેળવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જેડીયુના ધારાસભ્ય ડો.સંજીવ કુમારના જણાવ્યા અનુસાર ભારત માત્ર હિન્દુઓનો દેશ છે. હિન્દુઓ સિવાય જે પણ આ દેશમાં રહે છે તે આક્રમણકારી છે. તેઓએ ગમે તેમ કરીને ભારત પર આક્રમણ કર્યું અને અહીં જ વસી ગયા. કેટલાય લોકોને મારી ભારત પર રાજ કર્યું. ભારત પહેલેથી જ હિન્દુ રાષ્ટ્ર છે. ભાજપના ધારાસભ્ય હરિ ભૂષણ ઠાકુર વાચોલ અને જેડીયુના ધારાસભ્ય સંજીવ કુમાર ઉપરાંત ભાજપના નેતા અને પૂર્વ મંત્રી રાણા રણધીર પણ માને છે કે ભારત સનાતન ધર્મમાં માનવા વાળો દેશ છે, અને અહીં રહેતા તમામ લોકો સનાતન ધર્મના લોકો છે.

(9:20 pm IST)