Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

કોરોના આંકમાં અમપા અને સરકારના આંકડામાં તફાવત

વકરતી કોરોના મહામારીમાં પણ તંત્રની બેદરકારી : કોરોના આંક સાથે સરકાર ગોલમાલ કરતી હોવાનો આક્ષેપ

અમદાવાદ, તા. ૨૩ : કોરોનાના કેસો વધતાં કેન્દ્રની ટીમ ગુજરાત દોડી આવી છે, કેન્દ્રીય ટીમના વડા ડો. એસ.કે. સિંગે એવું નિવેદન આપ્યું કે, ગુજરાતમાં કોરોના વકર્યો તેની પાછળનું કારણ તંત્ર નહિ પરંતુ લોકોની ભીડ બતાવી છે. જોકે હાલમાં ગુજરાતમાં માત્ર બે દિવસમાં ૩૦૧૦ પોઝિટેવ કેસ આવતા આખા ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે ત્યારે અમદાવાદની વાત કરીએ તો અહિં ૩૫૦થી વધુ કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે, ત્યાં જ ગઇ કાલે તો અમદાવાદમાં શહેરમાં ૮ લોકોના મોત નિપજ્યા હતા. પરંતુ આ દરમિયાન લોકોમાં ચર્ચા એવી પણ થઇ રહી છે કે, અમદાવાદ અને સરકાર જે કોરોનાનાં આંકડા જાહેર કરે છે તે ખોટા છે. ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા કોરોનાના આંકડાઓ સાથે ગોલમાલ કરવામાં આવી રહ્યો છે.

આ પહેલા અમદાવાદના વિરોધપક્ષના નેતાઓએ પણ સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા કે, તેઓ શહેરીજનોને કોરોનાના સાચા આંકડા જણાવે જેથી લોકોને કોરોના મહામારીનું અસલ સ્વરૂપ ખબર પડે. અને લોકો સાવચેત રહી સરકારી ગાઇડલાઇનનો ઉપયોગ કરે. જોકે હવે અમદાવાદમાં કોરોના આંકમાં વિસંગતતા જોવામળી રહી છે. હવે અમપા અને સરકારના કોરોનાનાં આંકડામાં વિસંગતતા નજર આવી રહી છે.

શહેરમાં દિવસના ૨૮૦થી ૨૯૦ આંકડા દર્શાવાય છે. ત્યાં જ માત્ર બીજે  મેડિકલ કોલેજમાં જ ૧૨૦થી વધુ કેસ આવે છે. બીજી તરફ રેપિડમા પોઝિટિવ આવનારનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવતો નથી. એટલા માટે આરટીપીસીઆર અને રેપિડ એન્ટિજનના આંક અલગ અલગ જોવા મળે છે.

હાલમાં અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓમા નોધપાત્ર વઘારો થયો છે ત્યારે કોર્પોરેશન અને સરકારના આંકડા ખોટા સાબિત થઇ રહ્યા છે. અહિં કોર્પોરેશનના કોરોનાનાં આંકડાની પોલ ખુલી ગઇ છે. કોર્પોરેશન મુજબ દિવસના ૨૮૦ થી ૨૯૦ દર્શાવાય છે. ત્યારે હવે લોકો કોર્પોરેશનને સાચા આંકડા દર્શાવવા જણાવી રહ્યા છે.

(9:22 pm IST)