Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

અમદાવાદમાં રાત્રી કફર્યુ હટયા બાદ ભારે વાહનો દીવસના પ્રવેશ નહીં કરી શકે

પોલીસ કમીશ્નર સંજય શ્રીવાસ્તવે પ્રદુષણ-અકસ્માત ઘટાડવા જાહેરનામું બહાર પાડયુ : હાલ ભારે મધ્યમ માલવાહક વાહનો, ટ્રેકટર-ટ્રોલી બપોરે ૧ થી ૪ શહેરમાં પ્રવેશી શકે છે

અમદાવાદઃ શહેરમાં વધતા વાયુ પ્રદુષણને રોકવા અને અકસ્માતોને કાબુમાં લાવવા માટે શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે શહેરમાં ભારે અને મધ્યમ પ્રકારના માલવાહક વાહનો, ટ્રેકટર-ટ્રોલી   ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. હાલ રાતે ૯ થી સવારે ૬ સુધી કર્ફયુ છે, તેવામાં કર્ફયુ લાગુ છે ત્યાં સુધી અમદાવાદમાં બપોરે ૧ થી ૪ ઉપરોકત પ્રકારના વાહનોનો પ્રવેશ ચાલુ રહેશે.ે

રાત્રી કફર્યુનો અમલ પુરો થયે આવા વાહનોને બપોરે પ્રવેશ નહી મળે. પોલીસ કમીશ્નરના જાહેરનામા મુજબ સરકારી વાહનો, એસટી, એએમટીએસ બસ, સ્કૂલ-કોલેજ-સ્ટાફ બસ, બીઆરટીએસ, ફાયર બ્રિગેડના વાહનો, અંતીમ સંસ્કાર અને લગ્નમાં જતા વાહનો માટે પ્રતિબંધમાં છુટ રહેશે. અમદાવાદમાં ૩૩ મુસાફરોની ક્ષમતાવાળા વાહનોને પ્રવેશ અપાશે જયારે તેથી ઉપરના વાહનોને એન્ટ્રી નહીં મળે.

ઉપરાંત આરટીઓ માટે આવતા ભારે અને મધ્યમ વાહનોને સુભાષબ્રિજ આરટીઓ ઓફીસ જવા માટે નક્કી કરેલ રૂટ ઉપર સવારે ૧૦ થી સાંજે ૬ સુધી છુટ અપાઇ છે. સાથો-સાથ શહેરમાં જે વાહનો પાસે પાર્કીગ પાસ હશે તે પણ ૧ થી ૪ દરમિયાન પ્રવેશ કરી શકશે. જો કે તેના માટે જેસીપી ટ્રાફીક પાસેથી મંજુરી લેવી ફરજીયાત રહેશે. આવા વાહનોને સવારે ૮ થી રાત્રે ૯ સુધી કર્ફયુ બાદ પ્રવેશ નહીં અપાય.

(1:24 pm IST)