Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને યાત્રાધામ શામળાજીમાં કારતકી મેળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો

મોડાસા: શહેરના પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે દર વર્ષે કારતક સુદ અગીયારથી પૂનમ સુધી યોજાતો જાણીતો કારતકી મેળો આ વર્ષે કોરોના ના વધતા જતા સંક્રમણ ને લઈ મોકૂફ રખાયો છે.શ્રી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ શામળાજીના આ નિણર્યની સત્તાવાર જાણ મંદિરના મેનેજર દ્વારા કરાઈ હતી.આ નિર્ણયને  લઈ મેળામાં ધંધા-રોજગાર માટે આવતા હજારો વેપારીઓમાં નિરાશા વ્યાપી છે. કોરોના સંક્રમણની બીજી લહેર દિવાળી પછીના દિવસોમાં એક જ દિવસના ૧૫૦૦ કેસોના વિસ્ફોટ સાથે થઈ છે.આઠ મહિના પૂર્વે એક કેસથી રાજયભરમાં રોકેટ ઝડપે પ્રસરેલા કોરોના સંક્રમણથી આજે રાજયમાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંક ૧.૯૫ લાખ કેસ સુધી પહોંચ્યો છે.ત્યારે વધતા સંક્રમણ ને લઈ જાગૃત સંસ્થા,ટ્રસ્ટ અને પ્રજાજનોએ હવે તંત્રના આદેશની રાહ જોવાના બદલે પ્રજાહિતમાં જાતે જ નિર્ણય લેવા માંડયા છે.અરવલ્લી જિલ્લામાં વધતા સંક્રમણ ને લઈ મોડાસા ખાતે દેવરાજધામ,ઉમિયા માતાજીના મંદિર ને અચોક્કસ મુદત સુધી બંધ કરવાનો નિણર્ય લેવાયો છે.ત્યારે પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે કારતક સુદ-૧૧ થી પુનમ સુધી ભરાતો જાણીતો કારતકી પુનમનો મેળો હાલની પરિસ્થિતિ ધ્યાને લઈ મોકૂફ રખાયો છે.

(5:04 pm IST)