Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

કોરોનાની સ્થિતિ અંકુશમાં નહીં આવે ત્યાં સુધી રાત્રિ કરફ્યૂ યથાવત રહેશેઃ વિજયભાઈ રૂપાણીની સ્પષ્ટ વાત

વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રીઓની વર્ચ્યુઅલ વીડિયો કોન્ફ્રન્સિંગ બાદ રૂપાણીની મોટી જાહેરાત

અમદાવાદ : કોરોનાના વધતા કેસ વચ્ચે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું છે કે  જ્યાં સુધી કોરોનીની સ્થિતિ અંકુશમાં નહીં આવે ત્યાં સુધી રાત્રિ કરફ્યૂ ચાલુ રહેશે.

અમદાવાદમાં ખાનગી હોસ્પિટલો ફૂલ થઇ ગઇ હોવાના અહેવાલ વચ્ચે સીએમ રુપાણીએ દાવો કર્યો કે રાજ્યમાં સરકારે પુરતા પગલાં લીધા હોવાથી કોરોના સંપૂર્ણ નિયંત્રણમાં છે. રાજ્યમાં પુરતા પ્રમાણમાં કોવિડ બેડ ઉપલબ્ધ છે.

મુખ્યમંત્રી રુપાણીએ વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રીઓની વર્ચ્યુઅલ વીડિયો કોન્ફ્રન્સિંગ બાદ જણાવ્યું કે ગુજરાતમાં સરકારે કોરોનાને અંકુશમાં રાખવા પૂરતા પગલાં લીધા. જેના ભાગરુપે પહેલાં અમદાવાદમાં 57 કલાકનો વીકએન્ડ કરફ્યૂ લાદવામાં આવ્યો.

અમદાવાદ સહિત રાજ્યના 4 મહાનગરો, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કરફ્યૂનો નાંખવામાં આવ્યો હતો. જે પરિસ્થિતિ અંકુશમાં નહીં આવી જાય ત્યાં  સુધી ચાલુ રહેશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં શુક્રવારથી બે દિવસ સુધી કરફ્યૂ લાદવાની જાહેરાત થઇ ત્યારે સીએમ રુપાણીએ મક્કમતાપૂર્વક કહ્યું હતું કે રાજ્યમાં લોકડાઉન લાગુ કરાશે નહીં. તેમ છતાં લોકડાઉન કરતા પણ કડક કહેવાતો કરફ્યૂ લાદવામાં આવ્યો.

હવે અનિશ્ચિત સમય સુધી 4 શહેરોમાં રાત્રિ કરફ્યૂ લાદી દીધો છે. જેના કારણે લોકો ખાસ કરીને દૈનિક પરિશ્રમથી પેટિયું રળતા ગરીબ-મધ્યવગ્રના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

(6:30 pm IST)