Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર રિવોલરની અણીએ થયેલ લૂંટનો ભેદ પોલીસે ઉકેલી લીધો:ડ્રાઈવર-ક્લીનરેજ લૂંટનું તરકટ રચ્યું હોવાની માહિતી

આણંદ : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવેલ આણંદના સામરખા નજીક ત્રણેક દિવસ પૂર્વે સાંજના સુમારે રિવોલ્વરની અણીએ થયેલ રૂા.૮.૬૧ લાખની લૂંટના ગુનાનો ભેદ આણંદ ગ્રામ્ય પોલીસે ઉકેલી નાખ્યો છે. નાણા ચાઉં કરી જવા માટે ચાલક તથા ક્લીનરે જ આ લૂંટનું તરકટ રચ્યું હોવાનું ખૂલવા પામ્યું છે. પોલીસે નડિયાદ એક્ઝીટ પોઈન્ટ નજીક ઝાડીઓમાં છુપાવેલ રોકડ કબ્જે લઈ ડ્રાઈવર-ક્લીનર વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં મળતી માહિતી મુજબ નસવાડી ખાતે વેપાર કરતા આકબાની હનીફે એક વાહનમાં કપાસનો જથ્થો ભરી ચાલક તથા ક્લિનરને હારીજ ખાતે કપાસ વેચવા મોકલ્યા હતા. કપાસ વેચીને તેના આવેલ રોકડા રૂા.૮,૬૧,૧૩૨ લઈને આ બંને શખ્સો ગત તા.૨૦મીના રોજ સાંજના સુમારે પરત ફરી રહ્યા હતા ત્યારે આણંદ તાલુકાના સામરખા નજીક એક કારમાં આવી ચડેલ કેટલાક શખ્સો પૈકી બે શખ્સોએ કારમાંથી ઉતરી રિવોલ્વર બતાવી ધાક-ધમકી આપી ચાલક તથા ક્લિનર પાસેથી રૂા.૮.૬૧ લાખ ઉપરાંતની રોકડની લૂંટ કરી ફરાર થઈ ગયા હોવા અંગે આણંદ ગ્રામ્ય પોલીસ દફતરે ફરીયાદ નોંધાવા પામી હતી. 

સમગ્ર ઘટના અંગે પોલીસની વિવિધ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો. આણંદ ગ્રામ્ય પોલીસની ટીમે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવેલ સીસીટીવીના ફૂટેજ ચેક કરતા ચાલક તથા ક્લિનર દ્વારા રજૂ કરાયેલ કાર અંગેની માહિતીના સંદર્ભમાં આવી કોઈ કાર વડોદરા તરફ એક્ઝીટ થઈ ન હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈ પોલીસને શક ગયો હતો.

(5:56 pm IST)