Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

પાકિસ્‍તાન ઇચ્‍છે છે કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનેઃ ભાજપના કેન્‍દ્રીય મંત્રી કૈલાસ ચૌધરીએ પાકિસ્‍તાન અને ગુજરાતની ચૂંટણીને સાંકળતુ નિવેદન આપ્‍યુ

કૈલાસ ચૌધરીએ શક્‍તિપીઠ અંબાજીની મુલાકાત લઇ અગ્રણીઓ સાથે બેઠક યોજી

અંબાજીઃ ભાજપના કેન્‍દ્રીય મંત્રી કૈલાસ ચૌધરીએ અંબાજીની મુલાકાત લઇ અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, ગુજરાતની ચૂંટણી ઉપર પાકિસ્‍તાન પણ ગંભીરતાપૂર્વક જોઇ રહ્યુ છે. પાકિસ્‍તાન નથી ઇચ્‍છતુ કે ગુજરાતમાં ભાજપની સરકાર બને.

ગુજરાતની વિધાનસભા ચૂંટણી 2022 ને લઈ સમગ્ર રાજ્યમાં જોરશોરથી રાજકીય અને રાષ્ટ્રીય પક્ષોનો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. એટલું જ નહીં અન્ય રાજ્યોના નેતા, મંત્રી, મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓ પક્ષના પ્રચાર અર્થે નેતાઓ આવી રહ્યા છે. નેતાઓની સાથે કેન્દ્રીય મંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીઓ પણ ગુજરાતનો સતત પોતાની પાર્ટીને જીતાડવાનો પ્રયાસો હાથ ધાર્યા છે. ત્યારે ગઈકાલે યાત્રાધામ અંબાજી ખાતે કેન્દ્રીય મંત્રી કૃષિ મંત્રી કૈલાશ ચૌધરી પણ શક્તિપીઠ અંબાજી મંદિરની મુલાકાત કરી હતી. 

અંબાજી કાર્યકર્તાઓ તેમજ દાંતા તાલુકા મતવિસ્તારના અગ્રણી પદાધિકારીઓ સાથે એક બેઠક પણ યોજી હતી. જે રીતે સમગ્ર ગુજરાતના ઈલેક્શન ઉપર દેશ અને દુનિયાની નજર છે, ત્યારે ગુજરાતમાં ફરીથી બહુમતીથી 150 સીટો સાથે ગુજરાતમાં ભાજપ વિજયી બને તેવા પ્રયત્નો હાથ ધરવા જણાવ્યું હતું. ખાસ કરીને યુવાનો અને સાથે મહીસલોઓ સાથે તમામ કાર્યકર્તોમાં વધુમાં વધુ ઉત્સાહ અને જોશ પુરાય કે તેવા પ્રયાસો કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા. કૈલાશ ચૌધરીએ શક્તિપીઠ અંબાજીમાં અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. 

કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને આપ પાર્ટી બંને એકબીજા ઉપર દોષારોપણ કરે છે. આપ પાર્ટી કોંગ્રેસને ભાજપની બી પાર્ટી ગણાવી રહી છે. ત્યારે કોંગ્રેસ આપને ભાજપાની બી પાર્ટી ગણાવી રહી છે, પણ બંને પાર્ટીઓ ભ્રષ્ટાચારથી ખદબદેલી પાર્ટીઓ છે, જેમણે દિલ્હી અને પંજાબમાં જે પરિસ્થિતિ કરી છે તેવી ભ્રષ્ટાચારવાળી પરિસ્થિતિ ગુજરાતમાં કરવા માંગે છે. તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાતની પ્રજા સમજુ અને શાણી છે. તેથી કરીને આ વખતે બેમાંથી કોઈને પણ વોટ આપશે નહિ. એકમાત્ર વિશ્વાસુ પાર્ટી એટલે કે ભાજપાને બહુમતીથી જીતાડશે, તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. 

કૈલાશ ચૌધરીએ કહ્યુ હતું કે, ગુજરાતીઓ આ બહુરૂપિયા જેવી અલગ અલગ પાર્ટીઓ ઉપર વિશ્વાસ નહીં રાખે. પાર્ટી જે છે ભાજપા એ રાષ્ટ્રવાદી અને વિશ્વાસુ પાર્ટી છે અને ગુજરાતની ચૂંટણી ઉપર પાકિસ્તાન પણ ગંભીરતાપૂર્વક જોઈ રહ્યું છે. પાકિસ્તાન નથી ઇચ્છતું કે ગુજરાતમાં રાષ્ટ્રવાદી વિચારધારાવાળી ભાજપાની સરકાર બને. પાકિસ્તાન ઇચ્છે છે કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને. 

(6:11 pm IST)