News of Wednesday, 25th January 2023
વડોદરા:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરના વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન મુઝવતી સમસ્યા માટે પરીક્ષા પે ચર્ચા યોજવામાં આવે છે.આજે વિદ્યાર્થીઓની રચનાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહિત કરવા માટે, શિક્ષણ મંત્રાલય દ્વારા દેશભરમાં ૫૦૦ કેન્દ્રીય વિદ્યાલયોમાં રાષ્ટ્રવ્યાપી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં વિવિધ CBSE શાળાઓના વિદ્યાર્થીઓ, રાજ્ય બોર્ડ, નવોદય વિદ્યાલય અને કેન્દ્રીય વિદ્યાલયોના વિદ્યાર્થીઓ માટે એક્ઝામ વોરિયર્સ પર ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી.
વડોદરા ખાતે કેન્દ્રીય વિદ્યાલય આર્મી - ૨ શાળા ખાતે યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં શહેરની વિવિધ શાળાઓના ૧૦૦ થી વધુ વિધાર્થીઓ સહભાગી થઈ પરીક્ષા દરમિયાન મુઝવતી સમસ્યાઓને ચિત્રો થકી રજૂ કરી હતી.
વડોદરામાં એક્ઝામ વોરિયર' થીમ પર યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં કેન્દ્રીય વિધાલય , સીબીએસસી બોર્ડ, રાજ્ય બોર્ડ અને નવોદય વિદ્યાલયના ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા વિચારોની રચનાત્મક અભિવ્યકતિ કરીને વૈવિધ્યભર ચિત્રો દોર્યા હતા. નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ વિદ્યાર્થીઓને મહાન નેતાના જીવન પર પ્રેરણા આપવા અને તેમનામાં દેશભક્તિની ભાવના કેળવવા સાથે જ વિદ્યાર્થીઓમાં પરીક્ષાના તણાવનો સામનો કરવા માટે પ્રયાસોના ભાગ રૂપે યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં નિર્ણાયકોએ વિધાર્થીઓ દોરેલા ચિત્રોમાંથી શ્રેષ્ઠ પાંચ ચિત્રોની પસંદગી કરી હતી . કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય અને નિર્ણાયકોના હસ્તે શ્રેષ્ઠ પાંચ ચિત્રો દોરનાર વિધાર્થીઓને પ્રમાણપત્રો અને એક્ઝામ વોરિયરનું પુસ્તક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સ્પર્ધામાં સહભાગી વિધાર્થીઓને પણ પ્રમાણપત્રો આપવામાં આવશે.તેમજ શ્રેષ્ઠ પાંચ કૃતિને રાષ્ટ્રીય સ્પર્ધા માટે મોકલવામાં આવશે.